(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વલસાડ જિલ્લાના કોપરલી ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પાડાને બહાર કાઢવા માટે ભારે મહેનત અને હિંમતભર્યું રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે 8 કલાક સુધીસતત ચાલ્યું અને મોડી રાતે 2 વાગ્યે સફળતા સાથે પૂર્ણ થયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, કોપરલી ગામની અવાવરૂ જગ્યાએ બનેલા આ કૂવામાં સેફટી વોલ ન હોવાના કારણે એક પાડો ભૂલથી પડી ગયો હતો. ઘટનાની જાણ ત્યાંથી પસાર થતા ગ્રામજનો દ્વારા થઈ હતી, અને તેમણે તરત જ વાપી જી.આઈ.ડી.સી. નોટીફાઇડ એરિયા ફાયર ટીમને જાણ કરી. માહિતી મળતાં જ વાપી એનિમલ રેસ્કયૂ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સ્થળની પરિસ્થિતિ મુશ્કેલીભરી હતી. કૂવા પાસે સેફટી વોલ ન હોય અને માટી વારંવાર ખસી જતાં રેસ્કયૂ ઓપરેશન માટે ભારી પડકાર ઊભા થયા હતા.
પરિસ્થિતિને જોતા તાત્કાલિક ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેનના સહારે ફાયર ફાઈટરને કૂવામાં ઉતારવામાં આવ્યા. જોકે, પાડો ડરના કારણે આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યો હતો અને સતત ભાગવાની કોશિશ કરી રહ્યો હતો, જેને કારણે રેસ્કયૂ કરવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું.
વાપી નગરપાલિકા ફાયર ટીમ, વાપી જી.આઈ.ડી.સી. નોટીફાઇડ એરિયા ફાયર ટીમ અને વાપી એનિમલ રેસ્કયૂ ટીમે પોતાનો જીવ જોખમમાં મૂકીને અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ હિંમત ન હારી. આપસી સહકાર અને સતત 8 કલાકની મહામહેનત બાદ મોડી રાતે 2 વાગ્યે પાડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યોહતો. આજુબાજુના લોકો દ્વારા પણ ટીમને આ કાર્ય માટે શાબાશી અને પ્રશંસા મળી.
વાપી એનિમલ રેસકયું ટીમના વર્ધમાન શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે માનવતા અને પ્રાણીપ્રેમને જોડે દરજ્જો આપીને કામ કરવામાં આવે, તો કોઈપણ પડકારને પરાજિત કરી શકાય છે.
કોપરલી ગામના પીડિત પાડાને બચાવવા માટે કુલ 8 કલાક ચાલેલા આ ઓપરેશન માટે તમામ ટીમને લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
