ડુંગરી ફળીયા રહેતો મહેબુબ ચૌધરી ઉ.વ.25 નવા શેઠની કામગીરી સમયે ઊંચાઈથી પટકાયો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વાપી બલીઠા વિસ્તારમાં આવેલ ક્રિએટીવ ટેક્સટાઈલ્સ કંપનીમાં ઊંચાઈ ઉપર કામ કરતો કામદાર નીચે પટકાતા ઘટના સ્થળે મોત થતા કંપનીમાં ચકચાર મચી જવા પામી હતી.
વાપી ડુંગરી ફળીયામાં રહેતો 25 વર્ષિય મહેબુબ ચૌધરી નામનો કામદાર બલીઠામાં આવેલ કિરએટીવ ટેક્સટાઈલ્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતો હતો. કંપનીમાં નવો શેડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી કરવા માટે મહેબુબ 15 ફુટ ઊંચાઈ ઉપર ચઢી કામ કરી રહ્યો હતો તે દરમિયાન નીચે પટકાયો હતો. ઘટનાની જાણ સાથી કર્મચારી શાહ મોહંમદને થતા તેણે રેઈમ્બો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ બાદ આવી ચઢેલી પોલીસ કામદારના શબને પીએમ માટે ચલા સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી અને વધુ તપાસ હાધ ધરી હતી. કામદારોની ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કામદારોનેસેફટીના કોઈ સંસાધન અપાતા નથી. કંપની દ્વારા સુરક્ષાની જરૂરી જોગવાઈ પુરી પાડી હોત તો આ અકસ્માતમાં કામદારનું મોત થયું ના હોત. કંપનીનો એચ.આર. વિભાગ 24 કલાક સુધી ઘટનાથી અજાણ હતો તેવી ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે.