સંતોની આગેવાનીમાં રેલી, સભા યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: હિન્દુ હિત રક્ષા સમિતિ, વલસાડ દ્વારા આજે સવારે 10.00 વાગ્યે સ્ટેડિયમ રોડ ઉપર ધરના પ્રદર્શન અને હિન્દુ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ હિત રક્ષા સમિતિ, વલસાડના સમસ્ત હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલ અત્યાચાર તુરંત બંધ કરવામાં આવે અને અન્યયાપૂર્વક ઈસ્કોનના સન્યાસી મહારાજ શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને બાંગ્લાદેશ સરકાર ત્વરિત કેદમાંથી મુક્ત કરે એવી માંગણી, હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વલસાડના કલેક્ટરશ્રીના માધ્યમથી ભારત સરકારને કરવામાં આવે છે. હિન્દુ હિત રક્ષા સમિતિ, ધરણા પ્રદર્શન અને રેલીમાં જોડાયેલ તમામ લોકો તથા વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક સંગઠનોનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે અને આ રેલીને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવે છે.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. બાંગ્લાદેશમાં હિન્દુ જનસંખ્યા ક્રમશઃ ઓછી થતી ગઈ છે, ત્યાંની સરકારના આંકડાપ્રમાણે, 1951-22%, 1961-18%, 1974-13%, 1981-12%, 2001-9%, 2024-7%. ત્યાંનાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓ પર ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હુમલાઓ, હત્યાઓ, આગચંપી અને મહિલાઓ તથા નિર્દોષ બાળકો પર અમાનવીય અત્યાચારો અત્યંત ચિંતાજનક છે. જેની ‘‘હિન્દુ હિત રક્ષા સમિતિ, વલસાડ” નિંદા કરે છે. હાલની બાંગ્લાદેશ સરકાર અને અન્ય એજન્સિઓ તેને રોકવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક બની છે. મજબૂરીમાં, બાંગ્લાદેશના હિન્દુઓ સ્વરક્ષણ માટે લોકતાંત્રિક માધ્યમો દ્વારા ઉઠાવવામાં આવેલ અવાજને દબાવવા માટે, તેમના પર જ અન્યાય અને જુલમનો નવો યુગ પ્રારંભ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.
આવા નિર્ણાયક સમયે, ભારત અને વૈશ્વિક સમુદાય અને સંસ્થાઓ બાંગ્લાદેશના પીડિતોની સાથે ઊભા રહી તેમણે ટેકો વ્યક્ત કરવો જોઈએ અને વિશ્વ શાંતિ અને ભાઈચારા માટે આ બાબતે પોતપોતાની સરકાર પાસેથી દરેક શક્ય પ્રયાસોની માંગણી કરવી જોઈએ.