પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કરેલા પ્રવાસન વિકાસથી ધંધા-રોજગારની તક મળી હોવાનો યુવા સાહસિક જતિન માંગેલાનો એકરાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે દમણવાડાના નવા જમ્પોર ખાતે રહેતા નવયુવાન શ્રી જતિનભાઈ માંગેલાએ વોટર સ્પોર્ટ્સનું નવું સાહસ ધ એટલાન્ટિક વોટર સ્પોર્ટ્સના નામથી શરૂ કર્યું છે. જેનો શુભારંભ સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ કરાવ્યો હતો.
મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે ધ એટલાન્ટિક વોટર સ્પોર્ટ્સનું નવું સાહસ શરૂ કરનાર નવયુવાન શ્રી જતિનભાઈ માંગેલાના જણાવ્યા પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રવાસીઓને આકર્ષવા માટે શરૂ કરેલા અનેક પ્રોજેક્ટોના કારણે દરરોજ દૂર દૂરના પ્રવાસીઓ દમણ આવી રહ્યા છે. પ્રવાસીઓની સંપૂર્ણ સલામતિ સાથે તેમણે પોતાનું નવું સાહસ શરૂ કર્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને આત્મનિર્ભર બનાવવા શરૂ કરેલી સ્ટાર્ટઅપની પહેલના ભાગરૂપે શ્રી જતિનભાઈ માંગેલાએ મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે પોતાનું વોટરસ્પોર્ટ્સ જરૂરી તમામ પરવાનગી અને સલામતિના સાધનો સાથે શરૂ કર્યું છે જેને સારો પ્રતિસાદ મળવાની પણ શરૂઆત થઈ છે.