-
આગની ઘટનાને કારણે આજુબાજુની ત્રણ કંપનીને પણ ભારે નુકસાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
સેલવાસના આમલી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઓઇલની કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર આમલી 66 કેવી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ લુબસ્ટાર લુબ્રિકાન્ત પ્રા.લી.કંપનીમાં મોડીરાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. નજીકની એક કંપનીના માલિક અને સામાજીક કાર્યકર્તા વાહીદ કાલિયાને જાણ થતા તેઓએ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને ઘટના અંગેની જાણ કરી હતી.
આ કંપનીમાં ઓઈલ બનાવવા માટે જે સીલીન્ડરનો ઉપયોગ કરવામા આવે છે તેમા અચાનક બ્લાસ્ટ થતા આગ પકડી લીધી હતી. જેમા કંપનીના માલિકના હાથમા પણ ગંભીર ઇજા પોહચી હતી. જેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા. કંપનીમાં ઓઈલના ડ્રમ ભરેલા હોય આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ધુમાડાનું પ્રમાણ વધારે હોવાને કારણે ફાયરવિભાગની ટીમને આગને કાબુમા લેવાની પણતકલીફ પડી હતી.
સેલવાસ,ખાનવેલ,રિલાયન્સ અલોક અને વાપી સરીગામથી પણ બમ્બા બોલાવવામા આવ્યા હતા. 40થી વધુ ગાડીઓ દ્વારા સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આ આગને કારણે આખી કમ્પની બળીને રાખ થઈ ગઈ હતી. સાથે આજુબાજુમા આવેલ ત્રણ કંપનીને પણ નુકસાન થયેલ હતુ.
મળેલ માહિતી અનુસાર આ કંપનીમાં કોઈપણ જાતની ફાયર સુવિધા ના હતી. જ્યા કંપની આવેલ ત્યાં અંદર જવાનો રસ્તો પણ એકદમ સાંકડો છે જેના કારણે ફાયરની ગાડીઓને પણ અંદર લઈ જવામા તકલીફ પડી હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ પણ આવી ગયી હતી અને ચાલીમાં રહેતા લોકોને તાત્કાલિક બહાર લઈ જવામા આવ્યા હતા. આ ઘટનામાં કંપનીના માલિકના હાથમા ગંભીર ઇજા થઈ હતી જાનહાનીની કોઈ ઘટના બનવા પામેલ નથી.