(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, જોર-જૂલમ અને હત્યા જેવા ઘટનાઓને બંધ કરાવવા તથા બાંગ્લાદેશના હિન્દુઓની સલામતી માટે ‘હિન્દુ હિત રક્ષા- સમિતિ’ સેલવાસ દ્વારા આજે રેલી અને ધરણાં-પ્રદર્શન તથા હિન્દુ જનજાગરણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો જોડાયા હતા.
સેલવાસ ગાયત્રી મંદિર પરિસરમાં ધરણાં બાદ રેલી કાઢવામાં આવી હતી, જે પોલીસ સ્ટેશન, ઝંડાચોક, કિલવણી નાકા થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને જિલ્લા કલેક્ટરશ્રીને બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને ત્યાંના ઉપદ્રવીઓની હિંસક કરતૂતને વખોડતા આવેદન પત્રની નકલ આપવામાં આવી હતી. દાનહ કલેક્ટરશ્રીના માધ્યમથી હિન્દુ હિત રક્ષા સમિતિએ માંગ કરી છે કે, બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલ અત્યાચાર અને હિંસાની પ્રવૃત્તિને તાત્કાલિક રોકવામાં આવે અને ઈસ્કોન સન્યાસી મહારાજ શ્રી ચિન્મય કૃષ્ણ દાસને કારાવાસમાંથી મુક્ત કરવામાં આવે.
અત્રે યાદ રહે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા બાદ હિન્દુઓ ઉપર અત્યાચાર ખુબ ઝડપથી વધી રહ્યો છે. સરકારી આંકડા મુજબ બાંગ્લાદેશમાંહિન્દુઓની વસતીમાં સદંતર ઘટાડો થઈ રહ્યો છે. 1951માં 22ટકા હતી અને હાલમાં 2024મા 7 ટકા પર આવી ગઈ છે. ત્યાંના હિન્દુઓ અને દરેક અલ્પસંખ્યકો પર ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવી રહેલ હુમલાઓ, હત્યાઓ, આગજની અને મહિલાઓ તેમજ માસૂમ બાળકો પર અમાનવીય અત્યાચાર બેહદ ચિંતાજનક છે અને હિન્દુ હિત રક્ષક સમિતિ, સેલવાસ આની સખત નિંદા કરે છે.
હાલની બાંગ્લાદેશ સરકાર અને અન્ય એજન્સીઓ આને રોકવાને બદલે મુકદર્શક બની ગઈ છે. મજબુરીમાં બાંગ્લાદેશી હિન્દુ આત્મરક્ષાને લોકતાંત્રિક રીતે ઉઠાવવામાં આવી રહેલ અવાજને દબાવવા માટે પોતાના વિરુદ્ધ અન્યાય અને ઉત્પીડનને એક નવા યુગની શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે. આવા નાજુક સમયમાં ભારત અને વૈશ્વિક સમુદાય અને સંગઠનોને બાંગ્લાદેશના પીડિતો સાથે ઊભા રહેવાની સખ્ત જરૂરીયાત છે તેથી દરેકે પોતાનું હિન્દુઓના હિત માટે સમર્થન વ્યક્ત કરવું જોઈએ અને વિશ્વ શાંતિ અને ભાઈચારાના માટે પોતપોતાની સરકારોથી હર સંભવ પ્રયાસની માંગ કરવી જોઈએ.
સેલવાસ ખાતે આયોજીત રેલી, ધરણાં-પ્રદેશમાં ખુબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો સહિત હિન્દુ હિત રક્ષા સમિતિના સભ્યો, હિન્દુ સંગઠન સહિત ઈસ્કોન સંસ્થાના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.