નવનિર્માણચેરીટેબલ ટ્રસ્ટના પળી ગામના યુવાનોએ કરેલી સરાહનીય કામગીરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન મોટા ભાગના તમામ રોડ તૂટીને બેસુમાર ખાડા પડી ચુક્યા છે. જાહેર બાંધકામ વિભાગ કે હાઈવે ઓથોરિટીના પેટનું પાણી હાલતું નથી. ખાડાઓમાં પટકાઈ અનેક નિર્દોષ વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા છે. તેવી કંઈક સ્થિતિ કપરાડા-નાસિક રોડ ઉપર સુથારપાડા નજીક જીવલેણ ખાડો પડી ગયેલો છે. જેમાં સ્થાનિક મોટર સાયકલ ચાલકો પટકાઈને વારંવાર ઘાયલ થતા રહ્યા છે તેથી ગામના સ્થાનિક યુવાનોએ બુધવારે રાત્રે જાતે શ્રમદાન કરીને રોડના ખાડા પુરી રોડ સમતલ બનાવ્યો હતો.
કપરાડા નાસિક રોડ ઉપર સુથારપાડા નજીક ઘણા લાંબા સમયથી રોડ ઉપર જીવલેણ ખાડો પડયો હતો. આવતા-જતા વાહનો પટકાતા હતા. જેમાં ખાસ કરીને અંધારામાં ટુવ્હિલર ચાલકો પટકાતા ઘાયલ થયાના બનાવો પણ ઉપરા ઉપરી બનતા રહ્યા હોવાથી સ્થાનિક ગામના યુવાનોએ રોડ ઉપર પડેલા ખાડા પુરવાનું બીડું ઝડપ્યું હતું. પળી ગામના નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનોએ બુધવારે રાત્રે સુથારપાડા ગામ નજીક પડેલ જીવલેણ ખાડાઓ પુરવા માટે જાત શ્રમદાન કરીને રોડને સમતલ બનાવ્યો હતો. સ્થાનિક ગામના પણ એક-બે યુવાનો પટકાયેલા હોવાથી આગળ કોઈ મોટીદુર્ઘટના ના સર્જાય તે માટે યુવાનોએ જાતે ખાડા પુરીને તંત્રને તાર્કિક લપડાક મારીને સરાહનિય કામગીરી કરી હતી.