સ્થાનિકો દ્વારા પોલીસને અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના મજીગામના સરપંચ અને ખેડૂતોએ રાજ્યના ગૃહમંત્રી અને જિલ્લા પોલીસ વડાને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, મજીગામના દહેરા ફળીયા વિસ્તારમાં ખેતરમાં કુવા, બોર તથા કોતરમાં જતા પાણીનો ઉપયોગ કરવા માટે ઈલેક્ટ્રિક મોટર વાપરતા આવેલ છે અને 60-વર્ષ પહેલાની ખેતીવાડીની થ્રિ ફેસ વીજલાઈન પણ છે.
અમારા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી મોટર ચોરાઈ રહી છે. ગયા વર્ષે રમણભાઈ છીબાભાઈ પટેલને ત્યાંથી થ્રિ ફેસ મોટર ચોરાતા ચીખલી પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હતી. ત્યારબાદ હાલમાં વિનોદભાઈ બાલુભાઈ હોટેલની ક્રોમ્પટનકંપનીની થ્રિ ફેસ મોટર ચોરાઈ ગયેલ છે. જે અંગેની જાણ 25/11/2024 ના રોજ પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. પરંતુ હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવેલ નથી. કે કોઈ નક્કર પગલા લીધેલ નથી. તેમજ ગયા વર્ષે બે ત્રણ મોટરનો કેબલવાયર તથા પીવીસી પાઇપની ચોરી થયેલ છે. આ ઉપરાંત કોતર પરના ચેકડેમના પતરાનું ઢાંકણ પણ ચોરી થઈ ગયેલ છે.
વધુમાં રજૂઆતમાં જણાવાયું છે કે મજીગામ દહેરા ફળિયાના ઝરી કયારીમાં વારંવાર ચોરી થતી હોવાથી અમોને મોટર અને ખેતીના સાધનો રાખવામાં જોખમ લાગે છે. અને અમે આર્થિક રીતે પાયમાલ થઈ રહેલ છે. જેથી આ અંગે જરૂરી તપાસ કરાવી ચોરી કરનારાઓને પકડી ચોરી થતી અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.