ડો. પરમારે ‘ડિજિટલ ગેમ આધારિત ગુજરાતી ભાષા શિક્ષણ’ના શોધપત્રમાં ડિજિટલ ગેમ્સ અને ભાષા શિક્ષણના લાભો, કૌશલ્ય વિકાસ, સાંસ્કૃતિક અને ભાષાકીય સંદર્ભ વગેરેની આપેલી સમજ
પરિસંવાદમાં 304 પ્રતિભાગીઓએ કરાવેલું રજીસ્ટ્રેશનઃ 180 પેપરો થયા હતા સબમિટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા(સુરત) દ્વારા ‘ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષા અને તેની સામેના પડકારો’ વિષય ઉપર આયોજીત એક દિવસીય રાજ્ય કક્ષાના પરિસંવાદમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ)ના આસિસ્ટન્ટ લેક્ચરર ડૉ. પ્રશાંતસિંહ કિશોરસિંહ પરમારે રજૂ કરેલ ‘ડિજિટલ ગેમ આધારિત ગુજરાતી ભાષા શિક્ષણ’ના શોધપત્રને પ્રથમ નંબર એનાયત કરાયો છે.
રાજ્યકક્ષાના એક દિવસીય સેમિનારમાં 304 પ્રતિભાગીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને 180 પેપર સબમિટ થયા હતા. જેમાં સંઘપ્રદેશની ‘ડાયટ’ના આસિસ્ટન્ટ પ્રાધ્યાપક ડૉ. પ્રશાંતસિંહ કિશોરસિંહપરમારને પ્રથમ નંબર એનાયત કરાયો છે.
ડૉ. પ્રશાંતસિંહ પરમારે પોતાના શોધપત્રમાં ડિજિટલ ગેમ્સ અને ભાષા શિક્ષણના લાભો, કૌશલ્ય વિકાસ, સાંસ્કૃતિક અને ભાષાકીય સંદર્ભ વગેરેને સમજાવી હતી. તેમણે સ્પેનિશ, મંડારી જેવી ભાષાઓના ડિજિટલ ગેમ્સના માધ્યમથી ગુજરાતી માટે શૈક્ષણિક પદ્ધતિઓ વિકસાવવાનો વિચાર પણ ઉદાહરણ દ્વારા સમજાવ્યો હતો. જેમાં ‘ડૂઓલીંગો’ જેવા એપ્લીકેશનના માળખા મુજબ ગુજરાતી શીખવા માટે મલ્ટીપલ ચોઈસ પ્રશ્નો પણ શબ્દોની રમતોનું મોડેલ તૈયાર કરી શકાતુ હોવાનો પણ પોતાનો મત રજૂ કર્યો હતો.