ચોમાસામાં ને.હા. રોડને ખાડાઓ વચ્ચે શોધવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વર્તમાન ચોમાસાએ વલસાડ-વાપી વચ્ચે વચ્ચેના હાઈવે ઉપર ખુબ જ ખાનાખરાબી સર્જી હતી.પરિણામે ટ્રાફિક અને અકસ્માત વારંવાર થતા રહેતા હોવાથી મામલો વધુ ઉગ્ર બન્યો હતો. અંતે ગયા સપ્તાહે હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટર અને ટીમએ વાપી આવી હાઈવેની સ્થિતિ અંગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને જાહેરાત કરી હતી કે 48 કલાકમાં હાઈવેના ખાડા પુરાઈ જશે તે અનુસાર હાઈવે મરામતની કામગીરીનો પ્રારંભ થયો છે.
વાપી શહેર વચ્ચે પસાર થતા હાઈવે સર્વિસ રોડ ઉપર અતિશય ખાડા પડી ગયા છે. બલીઠા પુલથી ચાર રસ્તા સુધીના હાઈવે સર્વિસ રોડ બન્ને તરફ ખરાબ થઈ ચૂકેલો છે. હાઈવે ઓથોરિટી ઉપર જરૂરી દબાણ લાવીને બન્ને સર્વિસ રોડ ખાડા પુરી મરામત કરાવવી રહી. જો કે બીજી તરફ એવી પણ ફરિયાદ ઉઠી રહી છે કે હાઈવે મરામતની કામગીરી તો ચાલી રહી છે પણ હલકી ગુણવત્તાવાળી કામગીરી થઈ રહી છે. માત્ર ઢાંક પીછોડો ચાલતો હોય તેવું જણાઈ રહ્યું છે.