સ્માર્ટ મિટર લોકોને ફરી અંધકાર યુગમાં મોકલશે : વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વાપી વિસ્તારમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મિટર નાખવાની તાજેતરમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. તેની સાથે સાથે સ્માર્ટ મિટરનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્માર્ટ મિટરનો વિરોધ કરીને શનિવારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
થોડા જ દિવસ પહેલાં નાણાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના નિવાસ સ્થાને સ્માર્ટ મિટર નંખાવીને વાપીમાં સ્માર્ટ મિટર કાર્યરત કરવાની કામગીરીની શરૂઆત પણ કરી દીધી છે. તો બીજી તરફ સ્માર્ટ મિટરનો વિરોધ શરૂ થઈ ગયો છે. વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વીજ કંપની દ્વારા અમલમાં આવનારા સ્માર્ટ મિટરોનો સખ્ત વિરોધ કર્યો હતો. આ પ્રસંગે ખંડુભાઈ પટેલએજણાવ્યું હતું કે, સ્માર્ટ મિટર પ્રિપેઈડ મિટર છે. રીચાર્જ પુરુ થતા બંધ થઈ જશે. રાત્રે જ વિજળી બંધ થશે એટલે ફરી લોકો અંધકાર યુગમાં ગમે તે સમયે જઈ શકે છે. જો સરકાર સ્માર્ટ મિટર કામગીરી નહી અટકાવે તો અમે આગામી સમયે જન આંદોલન શરૂ કરીશું તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.