એક રાજવી પુરુષને છાજે તે રીતે તેમણે તે કન્યાના માથા પર અભય હસ્ત મૂકી પિતાની હેસિયતથી તે કન્યાને કહ્યું, ‘બેટા, નિશ્ચિંત રહેજે, તું મારી દીકરી સમાન છે. હું તો તારો પાલક પિતા પણ નથી, તો પણ હું તારી નિઃસહાય આંખોમાં તારો પિતૃપ્રેમ હું જોઈ શકું છું. તારી પરવશતાનો લાભ લેનાર હું કોણ? જેમ મને મારાં સંતાનો વહાલાં છે, તેમ તું પણ તારા પિતાની વહાલી હશે! તમારાં પિતા-પુત્રીના સંબંધમાં આડે આવી હું કલંકિત થવા નથી માંગતો!’
બીજાપુરની સલ્તનત પર વિજય પ્રાપ્ત થયાની આ પ્રથમ સંધ્યા હતી.
છત્રપતિ શિવાજી મહારાજની છાવણીમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો હતો. મંત્રીમંડળમાં મરાઠા સૈન્યની બહાદુરીને બિરદાવતા શિવાજીની છાતી ગજગજ ફૂલતી હતી. ત્યાં જ મરાઠા સેનાપતિએ શિવાજીની બિરદાવલી પોકારી. રાજસિંહાસન પર બિરાજેલા શિવાજી તથા સર્વે મંત્રીઓની દૃષ્ટિ સેનાપતિ તરફ મંડાઇ. હર્ષઘેલા સેનાપતિ ભાલા અને તલવારોથી સુસજ્જ અન્ય આઠ-દશ સૈનિકોની સાથે ઓઝલવાળી એક યુવતીને લઈ પ્રવેશ્યા.
આશ્ચર્યચકિત શિવાજી કંઈક પૂછે તે પહેલાં જ સેનાપતિએ સગર્વ કહ્યું, ‘મહારાજનોજય થાઓ. મહારાજની સેવામાં આ અનોખી ભેટ ધરતાં શિવસેનાનો આ સેવક આપની પ્રસન્નતા ઈચ્છે છે.’ એમ કહેતાં જ સિંહાસનથી આશરે દશેક હાથ દૂર તે યુવતીને સેનાપતિએ રજૂ કરી. તેણીની ઓઝલને તલવારની અણીથી દૂર કરી અટ્ટહાસ્ય સાથે સેનાપતિએ પોતાની રાજભક્તિને પ્રગટ કરી, ‘મહારાજ, આ છે બીજાપુરના સુલતાન મોહમ્મદ આદિલ શાહની પુત્રી. ચંદ્રમાની સોળે કળાઓ આ કુંવરીમાં ઉતરી આવી છે. આપ જો તેને પત્ની તરીકે સ્વીકારશો તો મરાઠા સૈન્યનું ગૌરવ વધી જશે!’
‘પણ આપણે તો સુલતાનને બંદી બનાવવાનો હોય. આ દીકરીને બંદી બનાવવું તે રાજનીતિનું ઉલ્લંઘન નથી?’ મંત્રી મંડળ તરફ એક નજર નાંખતા શિવાજીએ પૂછયું.
‘પરંતુ મહારાજ! આપણે મોહમ્મદ આદિલને હરાવ્યો છે, એટલે આપ તેની બધી સંપત્તિ જપ્ત કરવા માટે હકદાર છો. જેમાં તેમની પુત્રીનો પણ સમાવેશ થાય! મંત્રીમંડળ વતી સેનાપતિએ પોતાનો પક્ષ મજબૂત કર્યો.
‘પણ આપણી દુશ્મની તો મોહમ્મદ સાથે છે! આ રાજકુંવરી દુશ્મનીનો ભાગ કઈ રીતે હોય શકે? તેની રાજતિજોરી, સ્થાવર સંપત્તિ અને સૈન્ય પર આપણી માલિકી હોય શકે પણ ..’ છત્રપતિ વાકય પૂર્ણ કરે તે પહેલાં પોતાના શૌર્યને સોનેથી મઢવા સેનાપતિએ બીજો પાસો ફેંકયો, ‘મહારાજ! તોએને પુત્રવધૂ તરીકે સ્વીકારો! અમારી મહેનત એળે ન જાય. આટલી રહેમ કરો.’
સેનાપતિનું વચન સાંભળતાં જ ખિન્ન થયેલા છત્રપતિ સિંહાસન પરથી ઉતરી તે નતમસ્તક કન્યાની સામે ઊભા રહ્યા. ભયભીત બનેલી તે કન્યાના ગાત્રો ધ્રૂજતા હતા. આંખોમાં પરવશતા નીતરી હતી. તેમ છતાં પણ ફાનસના પ્રકાશથી ઝળહળતી સૈનિકોની તલવારોના પ્રતિબિંબથી તે સુંદરીના આંસુઓ મોતીની જેમ ચમકીલા બની ઉદાસ ચહેરાને પણ અલંકળત કરતાં હોય તેમ જણાતાં હતાં. અને મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી! કહોને કે માતા જીજાબાઈના સંસ્કારે સાકાર સ્વરૂપ ધારણ કર્યું!
એક રાજવી પુરુષને છાજે તે રીતે તેમણે તે કન્યાના માથા પર અભય હસ્ત મૂકી પિતાની હેસિયતથી તે કન્યાને કહ્યું, ‘બેટા, નિનિશ્ચિંત રહેજે, તું મારી દીકરી સમાન છે. હું તો તારો પાલક પિતા પણ નથી, તો પણ હું તારી નિઃસહાય આંખોમાં તારો પિતૃપ્રેમ હું જોઈ શકું છું. તારી પરવશતાનો લાભ લેનાર હું કોણ? જેમ મને મારાં સંતાનો વહાલાં છે, તેમ તું પણ તારા પિતાની વહાલી હશે! તમારાં પિતા-પુત્રીના સંબંધમાં આડે આવી હું કલંકિત થવા નથી માંગતો! ‘
કરુણાની વર્ષામાં કરાના કાંકરા રૂપે સેનાપતિએ પોતાની જીતનીસ્મૃતિને છત્રપતિના શાસનમાં કાયમી અંકિત કરવા છેલ્લો પાસો ફેંકતા કહ્યું,
‘એવું હોય તો મહારાજ, આ કન્યાને દાસી તરીકે રાખી લો.’
સેનાપતિની ભલામણને ધ્યાનમાં લીધા વગર જ છત્રપતિએ મંત્રી મંડળને આદેશ કર્યો, ‘આ દીકરીને મ્યાનામાં બેસાડી સન્માનપૂર્વક તેના પિતા પાસે મોકલી આપો. હા, એક બાપને છાજે તે રીતે તેને ભેટ-સોગાદો આપી વળાવો.’
છત્રપતિના અણધારેલા આ ફરમાનથી સેનાપતિ અને મંત્રીમંડળ સ્તબ્ધ બની ગયું.
જમણા હાથથી કોમળતાથી તે યુવતીની હડપચી પકડી તેણીનો રડમશ ચહેરાને સહેજ ઊંચો કરી છત્રપતિએ પોતાના કેસરિયા ખેસ વડે તે કન્યાના આંસુઓ લૂછતાં કહ્યું, ‘બેટા, તું મારી દીકરી છે. તું તારા પિતા પાસે જા. તારો પિતા-પુત્રીનો સંબંધ અમર રહે તે માટે તારા પિતાની પણ હું ધરપકડ નહીં કરાવું. તેને જેલમાં પણ નહીં નાખું! તું તારા પિતાને પ્રેમથી નિઃશંક થઈને કહેજે કે, ‘‘શિવરાજે આ ભેટ-સોગાદો તેની પુત્રીને ભેટ અને આશીર્વાદ સ્વરૂપે આપી છે!”
પરાઈ- કહો કે દુશ્મનની- દીકરીને કંકુ વડે ચાંદલો કરી વિદાય આપનાર ઈતિહાસમાં શિવાજી મહારાજ પહેલાં જ એક પુરુષ હશે કે જે શત્રુને પણ રહેમનું છત્ર આપી શકે! તેમાં જ તેમના ‘‘છત્રપતિ” શીર્ષકની સાર્થકતા ઊભરી આવેછે.
શિવાજી મહારાજે તેમનું મોટાભાગનું જીવન મોગલો સાથે યુદ્ધમાં વિતાવ્યું. યુદ્ધમાં કયારેક હાર્યા અને કયારેક જીત્યા. પરંતુ ‘જેના વેરી ઘા વખાણે’ તેમ છત્રપતિની શામ, દામ, દંડ અને ભેદની નીતિથી મુસ્લિમ રાજવીઓ પણ તેમની આદર અને પ્રશંસા કરતા થાકતાં નહીં. 52 વર્ષની ટૂંકી આવરદામાં તેમણે સૌના હૈયામાં પ્રત્યેક ‘‘હિન્દુ સમ્રાટ” તરીકે સ્થાન પ્રાપ્ત કરી લીધેલું.
એક સંસ્કારી, સાચાં દેશભક્ત અને સનાતન હિન્દુ ધર્મના રક્ષક છત્રપતિ શિવાજી મહારાજ જેવાં માતૃભૂમિના શાસકો ભાગ્યશાળીને પણ જવલ્લે જ પ્રાપ્ત થાય!