ચીખલી નગરપાલિકા બનાવવાની વર્ષો જૂની માંગણીનો અંત!: નજીકના દિવસોમાં નગરપાલિકા જાહેર થવાની અટકળોએ જોર પકડયું
આજુબાજુના ગામોના સમાવેશ સાથે ચીખલીને નગરપાલિકા જાહેર કરવાના ભણકારા વચ્ચે કહી ખુશી કહી ગમ જેવો માહોલ
(અહેવાલ-દીપક સોલંકી)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.11: તાલુકા મથક ચીખલી અને તેને અડીને આવેલા સમારોલી, ખૂંધ, થાલા, મજીગામ, મલવાડા સહિતના ગામોનો સમાવેશ કરીનગરપાલિકા બનાવવાની વાત વર્ષોથી ચાલી રહી છે. હાલે વિભાજન બાદ તલાવચોરા ગામ ઉપરાંત આલીપોર ગામનો પણ સમાવેશ કરવાની ચર્ચા ચાલી રહી છે અને 25-ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ નિમિતે અથવા તે પૂર્વે ચીખલી નગરપાલિકા જાહેરાત થઈ જવાની અટકળોએ તાલુકામાં જોર પકડ્યું છે. તેવામાં વર્તમાન ગ્રામ પંચાયતની સરપંચ સાથે બોડી બરખાસ્ત થાય તે ઉપરાંત વેરો વધવા સાથે માર્જિન સહિતના પ્રશ્નોને લઈને કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જવા પામ્યો છે. જોકે નગરપાલિકા જાહેર થાય તો ડ્રેનેજ, ફાયર સ્ટેશન, કચરાનો નિકાલ સહિતના પ્રશ્નોનું નિવારણ સાથે માળખાકીય સુવિધામાં વધારો થશે તે પણ નિヘતિ છે.
ચીખલી નજીકના ગામોમાં ક્વોરી ઉદ્યોગ ધમધમવા સાથે અનેક ધંધા રોજગારનો પણ વિકાસ થયો છે. ચીખલીને અડીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ લોકમાતા કાવેરી પણ પસાર થાય છે. ચીખલી સાથે તેને અડીને આવેલા ખૂંધ, થાલા, મજીગામ, સમરોલી, આલીપોરનો પણ વેપારી મથક તરીકે વિકાસ થયો છે. આલીપોરમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના હજ્જારો પશુપાલકોને ઘર આંગણે રોજગારી આપતી વસુધારા ડેરી પણ ધમધમે છે.
ચીખલી અને આસપાસના ગામોમાં રહેણાંક વિસ્તારનો પણ છેલ્લા વર્ષોમાં મોટાપાયે વિકાસ થયો છે. બીજી તરફ અનેક શૈક્ષણિકસંસ્થાઓ, હોસ્પિટલો પણ આવેલી છે. આજ બધા ગામોમાં એસટી બસ સ્ટેન્ડ ઉપરાંત મોટેભાગની સરકારી કચેરીઓ પણ ધમધમે છે. તેવામાં નગરપાલિકા જાહેર થાય તો વિકાસને વેગ મળવા સાથે લોકોની સુવિધામાં વધારો થઈ શકે તેમ છે. જોકે નગરપાલિકાની વાત વર્ષો જૂની છે. ત્યારે હવે ટૂંક સમયમાં નગરપાલિકા જાહેર થવાની અટકળો સાચી ઠરશે કે પછી અટકળો જ રહેશે તે જોવું રહ્યું.