વહેલી સવારે બનેલી ઘટના સમયે શાળામાં બાળકો હાજર નહોતા : સ્કૂલની લેબોરેટરીઝમાં આગ લાગી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: ધરમપુર પાસે આવેલા જુજવા ગામે કાર્યરત આઈ.પી. ગાંધી સાર્વજનિક સેકન્ડરી સ્કૂલમાં આજે ગુરુવારે સવારે આગ લાગી હતી. આગ લાગવાથી ભાગદોડ મચી જવા પામી હતી. જો કે આગને લઈ અન્ય કોઈ જાનહાની કે ઈજા થવા પામી નહોતી.
જુજવા ગામે કાર્યરત આઈ.પી. ગાંધી સાર્વજનિક સેકન્ડરી સ્કૂલમાં આજે સવારે અચાનક આગ લાગી હતી. આગના ધુવાડા જોઈને પાસે ચાલી રહેલ સિવિલ કામકાજ મજુરો અને સ્કૂલનો હાજર સ્ટાફ દોડી ગયો હતો. આગ શાળાની લેબોરેટરીઝમાં ભભુકી હતી. આગને લઈ ધુમાડાના ગોટેગોટા પથરાવા લાગ્યા હતા. શાલામાં રહેલી આગ બુઝાવાના ઉપકરણોથી શાળાના સ્ટાફે આગ બુઝાવાની જહેમત શરૂ કરી હતી. બીજી તરફ ધરમપુર નગરપાલિકા ફાયરને તુરંત જાણ કરાતા ફાયરની ગાડી સ્કૂલમાં આવી પહોંચી હતી. સૌ કોઈની સહિયારી મહેનતબાદ આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. સૌથી સારી વાત એ રહી હતી કે બનાવનો સમય સવારનો હોવાથી શાળામાં બાળકો આવ્યા નહોતા તેથી આગની વિપરીત અસર થવા પામી હતી. શાળાના પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ આગ શોર્ટસર્કિટથી લાગી હોવી જોઈએ. આગમાં લેબોરેટરીઝના સામાનને નુકશાન થયું છે. અન્ય કોઈને ઈજા થઈ નથી.