ગુરૂવારે સવારે ઘટેલી ઘટના બાદ જામ થઈ ગયેલ ટ્રાફિકને પોલીસે પૂર્વવત કરાવાની જહેમત કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વાપીમાંથી પસાર થઈ રહેલા નેશનલ હાઈવે ઉપર વારંવાર અકસ્માત સર્જાતા રહે છે. તેવો વધુ એક અકસ્માત આજે ગુરૂવારે સવારે સર્જાયો હતો. સૌરાષ્ટ્ર પાર્સિંગની ટ્રક વાપીથી વલસાડ તરફ જઈ રહી હતી ત્યારે હાઈવે મોરાઈ પાસે ચાલકો સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. જો કે અકસ્માતમાં ચાલકનો બચાવ થયો હતો.
વાપી મોરાઈ હાઈવે ઉપર ગુરૂવારે સવારે વાપીથી વલસાડ તરફની લેન ઉપર જઈ રહેલી ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. સદનસીબે પાછળ આવતા વાહનો વચ્ચે થોડુ અંતર હોવાથી અન્ય કોઈ વાહન પલટી મારી ગયેલી ટ્રક સાથે ભટકાયું નહોતું નહિતર મોટો અકસ્માત થવાની વકી હતી. અકસ્માત બાદ રોડ પર આડી પડી ગયેલ ટ્રકને લઈ ટ્રાફિક જામ શરૂ થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને વન-વે કરાવી ધીરે ધીરે ટ્રાફિક હળવો અનેપૂર્વવત થઈ ગયો હતો. પોલીસે ક્રેઈન બોલાવી ટ્રકને ઉભી કરી સાઈડીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો.