(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી સેલવાસ, કેમ્પસ દ્વારા‘માનવ અધિકાર દિવસ’ નિમિત્તે ખાસ બાળકો માટેની રેડક્રોસ સ્કૂલ અને સાયલી ગામ ખાતે માનવાધિકારના પ્રચાર અને રક્ષણનું મહત્ત્વ સમજાવવા માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીએનએલયુની ફેકલ્ટી ડૉ. આરુષિ શર્માના માર્ગદર્શન હેઠળ જીએનએલયુના વિદ્યાર્થીઓની ટીમે ખાસ બાળકો માટેની રેડક્રોસ સ્કૂલની મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ સમાજમાં દરેક વ્યક્તિના અધિકારો અને વિશેષ રૂપે વિકલાંગ બાળકોના અધિકારોનું મહત્ત્વ દર્શાવતુ નુક્કડ નાટક રજૂ કર્યું હતું. તે ઉપરાંત, તેઓએ પ્રત્યેક માનવીના અધિકારોને ઉજાગર કરવા માટે દિવ્યાંગ બાળકો સાથે કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો.
જીએનએલયુના વિદ્યાર્થીઓએ સાયલી ગામની મુલાકાત લઈને ત્યાં ગ્રામજનોને તેમના અધિકારો વિશે માહિતી આપી હતી અને સાથે સાથે જો તેઓ સમાજમાં કોઈપણ અસમાનતા અથવા ભેદભાવ અનુભવે છે તો તેમણે કેવી કાર્યવાહી કરવી તેની સમજણ આપી હતી.
માનવાધિકાર દિવસ ભેદભાવ, જુલમ અને અસમાનતા સામે ચાલી રહેલી લડતની અને કેવી રીતે આપણે આ સમાજને વધુ જીવવા યોગ્ય અને સમાવિષ્ટ કેવી રીતે બનાવી શકીએ છીએ તેની યાદ અપાવે છે.
