દમણ જિ.પં.ના સભ્ય અને બાંધકામ સમિતિના અધ્યક્ષ રીનાબેન અને તેમના પતિ હરિશભાઈ પટેલે મહેકાવેલી માનવતાઃ એક જરૂરિયાતમંદ ત્યકતા મહિલાની ઝૂંપડીની જગ્યાએ બનાવી આપ્યું પાકુંમકાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 24
દમણ જિલ્લા પંચાયતના જાહેર બાંધકામ વિભાગ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ અને તેમના પતિ શ્રી હરિશભાઈ પટેલે એક જરૂરિયાતમંદ ત્યકતા મહિલા શ્રીમતી કંકુબેનને પાકું ઘર બનાવી આપી પોતાની માનવતા અને સખાવતનો પરિચય આપ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કચીગામ મોટી કોળીવાડના એક ત્યકતા મહિલા કંકુબેનનું ઝૂંપડું હતું. જેની જાણકારી જિ.પં.સભ્ય અને જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી રીનાબેન પટેલ અને તેમના પતિ શ્રી હરિશભાઈ પટેલને થતાં તેમનું સંવેદનશીલ હૃદય પીગળી ગયું હતું અને એક પળનો પણ વિલંબ કર્યા વગર ત્યકતાનું પાકું મકાન બનાવવા પોતાની તમામ શક્તિ કામે લગાવી હતી.
દમણ જિલ્લામાં જો શ્રીમતી રીનાબેન અને શ્રી હરિશભાઈ પટેલ જેવો અભિગમ ખમતીધરો દ્વારા રાખવામાં આવે તો એક પણ કાચું ઘર નહીં રહે અને સરકાર ઉપર કોઈ બોજ પણ નહીં પડે. આ સૌથી મોટા પુણ્યનું કામ શ્રીમતી રીનાબેન અને શ્રી હરિશભાઈ પટેલની જુગલજોડીએ કર્યું હતું.