સંવિધાન ઉપર ચર્ચા કરતા સાંસદ ઉમેશભાઈ પટેલે દમણ અને દીવમાં લોકતાંત્રિક વ્યવસ્થા ઉભી કરવા કરેલી માંગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ગઈકાલે લોકસભામાં સંવિધાન ઉપરની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, અમારો પ્રદેશ દમણ અને દીવ ગોવાની સાથે દેશની આઝાદીના લગભગ 14 વર્ષ બાદ 1961માંઆઝાદ થયો હતો. અમે 14 વર્ષ બાદ આઝાદ થયા હોવાથી અમારો પ્રદેશ દેશના અન્ય રાજ્યોની તુલનામાં ખુબ જ પછાત છે અને હજુ પછાત થઈ રહ્યો છે. જે દુર્ભાગ્યપૂર્ણ વાત છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણું સંવિધાન કોઈપણ પ્રદેશને 6 મહિનાથી વધુ રાષ્ટ્રપતિ શાસનમાં નહીં રાખવા માટે કહે છે, પરંતુ અમે પ્રદેશની આઝાદીથી જ રાષ્ટ્રપતિ શાસનમાં જીવવા મજબૂર થઈ રહ્યા હોવાનું જણાવી તેમણે પ્રદેશમાં લોકશાહીની લોકતાંત્રિક પ્રણાલી ક્યારે લાગુ થશે? અને અમને પૂર્ણ લોકશાહીનો અધિકાર ક્યારે મળશે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકતાંત્રિક પ્રણાલીમાં જે હક્ક અને અધિકાર અન્ય રાજ્યના લોકોને મળે છે તેવા હક્ક અને અધિકાર અમારા પ્રદેશના લોકોને શા માટે નહીં મળી રહ્યા? તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીની લોકતાંત્રિક પ્રણાલી મુજબ અન્ય રાજ્યના લોકોની પાસે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને મહારાષ્ટ્ર જેવા રાજ્ય પાસે એમ.એલ.સી., મેયર સહિતની પાવરફૂલ સ્વરાજ્યની સંસ્થાઓ છે. તેની સામે અમારા પ્રદેશના લોકો પાસે શું છે? ફક્ત એક લોકસભા અને અમારી પાસે રાજ્યસભા પણ નથી, રાજ્યની વિધાનસભા પણ નથી અને લંગડાતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જ માત્ર છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે દમણ-દીવનામુક્તિ દિવસ 19 ડિસેમ્બરના રોજ જાહેર રજા જાહેર કરવા પણ માંગ કરી હતી. તેમણે છેલ્લા 7-7 વર્ષથી સ્વરાજ્યની સંસ્થાઓને ભંડોળની ફાળવણી નહીં થઈ રહી હોવાની ફરિયાદ પણ લોકસભામાં કરી હતી.