અંડર-17 બોયઝમાં રનર્સ બનેલી દાદરા નગર હવેલી ટીમ અને અંડર-17 ગર્લ્સમાં રનર્સ બની દીવ જિલ્લાની ટીમ
સંઘપ્રદેશ સ્તરીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓની ‘68મા રાષ્ટ્રીય શાળાકીય રમત-ગમત સ્પર્ધા’ માટે કરાયેલી પસંદગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગના સચિવ ડો. અરૂણ ટી. અને રમત-ગમત વિભાના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશના 68મા રાષ્ષ્ટ્રીય શાળા રમતોત્સવ સ્પર્ધામાં ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા માટે સેલવાસમાં સંઘપ્રદેશ સ્તરીય રમત-ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘપ્રદેશ સ્તરીય રમત-ગમત સ્પર્ધામાં ખો-ખો (અંડર 17 બોયઝ અનેગર્લ્સ) સ્પર્ધાનું આયોજન શનિવાર તા.14મી ડિસેમ્બર, 2024ના રોજ કરાયું હતું. આ સ્પર્ધામાં સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના આંતર શાળા રમત-ગમત સ્પર્ધાના વિજેતા ખેલાડીઓએ પોતપોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ અવસરે પસંદગી સમિતિ દ્વારા સંઘપ્રદેશ સ્તરીય રમત-ગમત સ્પર્ધાના ખેલાડીઓમાંથી ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરનારા ખેલાડીઓની 68મા રાષ્ટ્રીય શાળાકીય રમત-ગમત સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.
અંડર-17 બોયઝ અને ગર્લ્સ વચ્ચે રમાયેલી ખો-ખો સ્પર્ધામાં બંને શ્રેણીમાં દમણની ટીમ વિજેતા બની હતી જ્યારે બોયઝમાં દાદરા નગર હવેલીની ટીમ અને ગર્લ્સમાં દીવની ઉપ વિજેતા રહી હતી.
સંઘપ્રદેશ સ્તરીય સ્પર્ધાના વિજેતા ખેલાડીઓને ત્રણેય જિલ્લાના વિભાગના અધિકારીઓ હસ્તે ટ્રોફી અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવના ખેલાડીઓને શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકો અને વિભાગના કર્મચારીઓએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.