દર્દીઓના અભિપ્રાય પણ લેવામાં આવ્યા, પાલણને 86.59%, તીઘરાને 91%, વાઘલધરા 83.87%, સોનવાડા 89%, કુંડી 83.33%, ધનોરી 85.57%, કેવાડા 72.97% અને પીએચસી ગોરગામને 92.05 ટકા મળ્યા
જિલ્લામાં અત્યાર સુધીમાં 11 પીએચસી, 1 સીએચસી અને 23 પેટા આરોગ્ય કેન્દ્ર (આયુષ્યમાન આરોગ્ય મંદિર) મળી કુલ 35 આરોગ્ય સેન્ટરને NQAS પ્રમાણપત્ર મળ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડ તાલુકાના ગોરગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેના હસ્તકના પેટા આરોગ્ય કેન્દ્ર (આયુષ્યમાન આરોગ્ય મંદિર) પાલણ, તીઘરા, વાઘલધરા, સોનવાડા, કુંડી, ધનોરી અને કેવાડાને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ એક્રિડીટેશનનું રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જે બદલ રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાનેગૌરવ પ્રદાન થયું છે.
ગત જુલાઈ માસ દરમિયાન રાષ્ટ્રીય સ્તરની ટીમ વિવિધ માપદંડોના મૂલ્યાંકન માટે વલસાડ આવી હતી. જેમાં વલસાડ તાલુકાના ગોરગામ પીએચસીના પાલણ અને કુંડી, જ્યારે તીઘરા, વાઘલધરા, સોનવાડા, ધનોરી અને કેવાડા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં અગાઉ વિવિધ સર્વિસ પેકેજ જેવા કે, સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્ય સેવા, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ તેને સંલગ્ન આરોગ્ય સેવાઓ, સામાન્ય બિમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન જેમાં સંચારી રોગચાળા સંબંધિત પ્રોગ્રામ અમલીકરણ, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર, આંખ, કાન, નાક તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્ક્રીનીંગ નિદાન તેમજ સારવાર, દાંતના આરોગ્યને સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન તેમજ સારવાર, વધુ વય ધરાવતા વ્યકિતઓ માટે ઉંમર સંલગ્ન સારવાર તેમજ ઈમરજન્સી સેવાઓ સાથે સાથે કાર્યક્રમો તથા જનરલ એડમિનિસ્ટ્રેશન, ફાઈનાન્સને લગતી વિવિધ બાબતો તથા આરોગ્યનેલગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ દર્દીને કેવી રીતે સારવાર આપવામાં આવે છે, દર્દીને સરકારી સેવાથી સંતોષ છે કે કેમ, અધિકારી અને કર્મચારીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, સરકારના નિયમ મુજબ રેકર્ડ ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી કર્યા બાદ વલસાડ તાલુકાના પેટા આરોગ્ય કેન્દ્ર પાલણને 86.59%, તીઘરાને 91%, વાઘલધરા 83.87, સોનવાડા 89. કુંડી 83.33, ધનોરી 85.57, કેવાડા 72.97 અને પીએચસી ગોરગામને 92.05 ટકા સાથે એન.કયુ.એ.એસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન બદલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ તેમજ સમગ્ર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કર્મીઓને અભિનંદન પાઠવ્યામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 11 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 1 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 23 આયુષ્યમાન આરોગ્ય મંદિર મળી કુલ 35 કેન્દ્રોને રાષ્ટ્રીય કક્ષાનું એનકયુએએસ પ્રમાણપત્ર એનાયત થઈ ચૂકયા છે.