જીઆઈડીસીમાં 150 સી.સી.ટી.વી. કેમેરા લાગશે,
વલસાડ જિલ્લાને પોતાની જેલ મળશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: સુરત રેન્જ આઈ.જી.પી. પ્રેમવીર સિંઘ વાર્ષિક ઈન્સ્પેકશન માટે વાપી મુલાકાતે આવ્યા હતા. વાપી સર્કિટ હાઉસ ખાતે વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો, ઉદ્યોગકારો તથા પાલિકાના હોદ્દેદારો સાથે વિશેષ મુલાકાત લીધી હતી.
સર્કિટ હાઉસ વાપીમાં યોજાયેલ મિટિંગમાં ટ્રાફિક કાયદો વ્યવસ્થા અંગે આઈ.જી.પી.એ ખાસ ચર્ચા કરી હતી તે જણાવ્યું હતું કે વાપી જીઆઈડીસી વિસ્તારમાં સી.સી.ટી.વી. નેટવર્ક ઉભુ કરાશે. મિટિંગમાં ઉપસ્થિત હોદ્દેદારોએ સાઈબર ફ્રોડ જાગૃતિ અંગે રજૂઆત કરી હતી. આઈ.જી.એ જણાવ્યું હતું કે, વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 150 સીસીટીવી કેમેરા નેટવર્ક ઉભું કરવામાં આવનાર છે. જેથી ગુનાખોરી ઉપર અંકુશ લેવામાં સફળતા મળે. તેજ રીતે સ્થાનિક આગેવાનો સાથે ટ્રાફિક નિરાકરણ અંગે પણ સવિશેષ ચર્ચા વિચારણા મિટિંગમાં કરવામાં આવી હતી. આઈ.જી.એ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાને પોતાની જેલ મળી શકે તે માટે પ્રયાસો હાથ ધરવામાંઆવશે. જમીનની શોધ ચાલું કરી છે. ટ્રાફિક અંગે ચર્ચામાં તેમણે જણાવ્યું હતું કે આવનારા સમમયાં વાપીમાંથી બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે પસાર થવાના હોવાથી ટ્રાફિકની સમસ્યા વધી શકે એમ છે તેથી ટ્રાફિક મહેકમ પણ વધારવું પડશે તેમજ એક અલાયદું ટ્રાફિક પોલીસ સ્ટેશન વાપીને મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. પોલીસ સ્ટાફની ઘટ છે તે પણ ભરતી કરાશે. મિટિંગમાં એસ.પી. ડો.કરણસિંહ વાઘેલા, પોલીસ વિભાગીય વડા ડી.વાય.એસ.પી. બી.એન. દવે, સ્થાનિક પો.સ્ટે.માં તમામ પી.આઈ. વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ તથા પાલિકા પ્રમુખ પંકજ પટેલ સહિત ઉદ્યોગપતિઓ મિલન દેસાઈ, યોગેશ કાબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.