જીપીસીબીના પ્રાદેશિક અધિકારી એ.ઓ. ત્રિવેદીએ આદિવાસીઓની રજૂઆતને સાંભળવાની મનાઈ કરી જાતિ શબ્દોનો ઉપયોગ કરી આપમાનિત કરવાનીઘટેલી ઘટનાના અનુસૂચિત જાતિ અને જનજાતિની પ્રજામાં પડેલા ઘેરા પ્રત્યાઘાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18: સરીગામ જીઆઇડીસીને લાગુ કરજગામ રાયવાડીના વિસ્તારના બોરીગોના પાણી કલરયુક્ત પ્રદૂષિત થતાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા સર્જાયેલી છે. આ મુદ્દે આદિવાસી અગ્રણીઓ જવાબદાર વિભાગ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું વારંવાર ધ્યાન દોરવા છતાં નિરાકરણ આવી શકયું નથી અને એથી વધુ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી શ્રી એ.ઓ. ત્રિવેદીએ અરજદારશ્રી મિતેશ પટેલ અને એમના સાથી અગ્રણીઓને મુલાકાત આપવાની કે રજૂઆત સાંભળવાની ના પાડી દીધી હતી અને ના પાડવા સાથે આદિવાસીઓ પ્રત્યે જાતિ શબ્દોનો ઉપયોગ કરી તિરસ્કારની લાગણી વ્યક્ત કરી ભારે અપમાનિત કર્યા હતા.
આ ઘટના બાદ શ્રી મિતેશભાઈ પટેલ સહિત આજુબાજુ વિસ્તારના પ્રદૂષણનો સામનો કરી રહેલા અરજદારોએ પ્રાદેશિક અધિકારીને રજૂઆત કરવાનું અને ધ્યાન દોરવાનું માંડી વાળ્યું હતું. જેથી જીપીસીપી અધિકારીની રહેમ રાહ હેઠળ પોલ્યુશન ઓકતા એકમોને મોકળુ મેદાન મળી ગયેલુ છે. બીજી તરફ વાસ્તવિકતાથી વિપરીત અધિકારીશ્રી એ.ઓ. ત્રિવેદીની ઉજળી છબી પુરવાર થાય અને આદિવાસીઓ ખોટા તેમજ ખોટી રીતે કંપનીઓનેટાર્ગેટ કરી પોતાનો સ્વાર્થ સાધતા હોય એવા પાયા વિહોણા અહેવાલ અખબારમાં પ્રકાશિત થયા હતા. બીજી તરફ અરજદાર શ્રી મિતેશભાઈ પટેલને દબાણવંશ કરવા માટે પ્રદૂષણ ઓકતા એકમોની રખેવાળી કરતા અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા ભય ઉપજાવે એવો ગર્ભીત ઈશારો કરતો વારંવાર ફોન પણ વારંવાર કરવામાં આવેલ છે. આ સમગ્ર ઘટના કરજગામ, સરીગામ તેમજ લાગુ વિસ્તાર માટે ખતરનાક સાબિત થવાની શકયતા નકારાતી નથી. આમ સમગ્ર ઘટના જોતા ન્યાય માટે આદિવાસી અગ્રણી એડવોકેટશ્રી મિતેશભાઈ પટેલે પ્રાદેશિક અધિકારીશ્રી એ.ઓ. ત્રિવેદી સામે અનુસૂચિત જનજાતિ કમિશનમાં અરજી દાખલ કરી ન્યાયની માંગણી કરી છે.