આવતી કાલે દમણ અને દીવના 64મા મુક્તિ દિવસની યાદગીરી મનાવવામાં આવશે. અહીં અમે યાદગીરી શબ્દનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે, છેલ્લા 20-25 વર્ષથી દમણ-દીવ તથા દાદરા નગર હવેલીના મુક્તિ દિવસ સહિતના તમામ રાષ્ટ્રીય તહેવારોમાંથી લોકોની ભાગીદારી ગાયબ થતી જઈ રહી છે. આ બાબતમાં સંઘપ્રદેશના તમામ રાજકીય પક્ષો, તમામ રાજકીય આગેવાનો અને લોક પ્રતિનિધિઓનું વલણ પણ ઉદાસિન રહ્યું છે. પ્રદેશ સહિત રાષ્ટ્રના તમામ ઉત્સવો માત્ર અને માત્ર પ્રશાસનિક સ્તરની ઉજવણી સુધી સીમિત બનીને રહ્યા છે. આવતી કાલે દમણ અને દીવનો 64મો મુક્તિ દિવસ છે. જિલ્લા પ્રશાસન દ્વારા કલેક્ટરાલય સ્તરે ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન થયું છે. ભાજપ દ્વારા દમણના ભાજપ કાર્યાલય ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ રખાયો છે. જિલ્લા પંચાયતના પ્રાંગણમાં તિરંગો લહેરાવાશે તથા દમણ અને દીવની કેટલીક ગ્રામ પંચાયતોમાં મુક્તિ દિવસની ઉજવણી થશે. દમણ અને દીવની સરકારી શાળાઓમાં ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન થયું છે. આ તમામ કાર્યક્રમોમાં દમણ અને દીવની સામાન્ય જનતાની હાજરી પાંખી રહેશે. દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ લોકસભામાં મુક્તિ દિવસ પ્રસંગે જાહેર રજાની માંગણી કરે છે.દમણ અને દીવમાં 2021 સુધી મુક્તિ દિવસ નિમિત્તે જાહેર રજા આપવામાં આવતી હતી. જાહેર રજા હોવા છતાં સામાન્ય લોકોની ભાગીદારી મુક્તિ દિવસની ઉજવણીમાં નામ માત્રની રહી હતી. પ્રશાસનિક કાર્યક્રમમાં પણ રાજકીય નેતાઓ અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની હાજરી સિવાય સામાન્ય પ્રજા ભાગ્યે જ દેખાતી હતી. સમારંભ સ્થળને સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓથી ભરવા પડતા હતા. આજે પણ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આવી જ સ્થિતિ બરકરાર છે. દમણ અને દીવના લોકોની ઉદાસિનતા યથાવત રહી તો આવતા દિવસોમાં મુક્તિ દિવસની ઉજવણીની માત્ર યાદો જ બાકી રહેશે અને જે રીતે હવે મુક્તિ દિવસની ઉજવણી માત્ર ઔપચારિકતા જ બની રહી છે તે જોતાં ધીરે ધીરે મુક્તિ દિવસ પણ ઉજવણી મુક્ત બને એ દિવસો દૂર દેખાતા નથી.
(મુકેશ ગોસાવી)