પેન્શનર્સ સભ્યોના હિતમાં થઈ રહેલા તેમજ ભવિષ્યમાં થનાર કામોની માહિતી આપવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડના તિથલ રોડ સ્થિત ઈચ્છા બા અનાવિલ વાડી ખાતે જયેષ્ઠ નાગરિક (પેન્શનર) મંડળની 37મી વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.
સભાના અધ્યક્ષસ્થાને વલસાડ જયેષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ભરતભાઈ સી. રાણા, મુખ્ય મહેમાન નિવૃત નાયબ મામલતદાર અને માજી સેક્રેટરી મોરારભાઈ ડી. પટેલ, સુરત જિલ્લા પેન્સનર્સ એસોશિએશનના પ્રમુખ અને ગુજરાત પેન્શનર્સ સમાજ અમદાવાદના ઉપપ્રમુખ મનહરભાઈ સી. લાપસીવાલાએ પોતાનાં મંતવ્યો દ્વારા હાજર સભ્યોને એસો. દ્વારા સભ્યોના હિતમાં થઈ રહેલા તેમજ ભવિષ્યમાં થનાર કામોની માહિતી આપી હતી.
મુખ્ય મહેમાન નિલેશભાઈ આર. પારેખે વક્તવ્ય આપી તેમના માતૃશ્રીના પેન્શનના નાણાં અપાવવા બદલ આભાર વ્યક્ત કરી મંડળને દાન પેટેરૂ.26001/-નું દાન આપ્યું હતું. અન્ય અતિથિ શ્રી શૈલેષ સુખદેવ વાઘે રૂ.5000/-, રમાકાન્ત રામપલ્ટન તિવારીએ રૂ.5000/- દાન પેટે આપ્યા હતા. સુરત જિલ્લા પેન્શનર્સ એસોશિએશનના મહામંત્રી અતુલભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. મંડળના મહામંત્રી એ. આઈ. શેખે વર્ષ 2023-24ના હિસાબો મંજૂર કર્યા હતા જેને સર્વસંમતિથી બાહાલી આપવામાં આવી હતી. મંડલના આંતરિક અન્વેષક અને કારોબારી સબ્યો અને આમંત્રિત સભ્યોની નિમણુંક, અને વર્ષ 2024-25 માટે યતિન દેસાઈ એન્ડ કૉ. ને સી.એ. તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં 75 વર્ષથી વધુ વયના પેન્શનરોનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સભાના ઉદઘોષક એચ.ટી. શર્મા અને રમેશભાઈ એલ. પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં કોષાધ્યક્ષ અંગીરસભાઈ દેસાઈ, કારોબારી સભ્ય શ્રીમતી દેવીબેન પટેલ, કારોબારી સભ્ય મધુકરભાઈ રાણા, અમૃતલાલ બલસારા, મહેશભાઈ પટેલ, વિનોદભાઈ એલ. પટેલ, શ્રી ભાણાભાઈ બી. પટેલ અને ઈશ્વરભાઈ બારીયા ઉપસ્થિત રહ્યા હતા.