(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.23: સમગ્ર ગુજરાતમાં નામ પૂરતી જ દારૂબંધી રહી છે. ગુજરાતના કોઈપણ શહેર કે ગામડાના ખૂણામાં તમને સહેલાઈથી દારૂ બિયર મળી રહે છે ત્યારે છેલ્લા એક વર્ષ દરમિયાન પારડી પોલીસે પકડેલ દારૂના આંકડાઓ જોતા તમારી આંખ પહોળી થઈ જશે.
પારડી પોલીસે તારીખ 1.12.2023 થી 15.12.2024 સુધીના ટૂંકા ગાળામાં 1,75,976 બોટલ દારૂ તથા બિયરની બોટલ મળી કુલ રૂા.2,03,47,790 ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો.
આજરોજ તારીખ 23.12.2024 ના રોજ આ તમામ દારૂ તથા બિયરનો જથ્થો ચાર જેટલા મોટા ડમ્પર ભરી ભીલાડ જૂની આરટીઓ પાસે લઈ જઈ આ તમામ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
ફક્ત પારડી પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં દારૂ ફક્ત એક વર્ષની અંદર ઝડપતી હોય અને છતાં પણ તમને કોઈપણ સ્થળેથી સહેલાયથી દારૂ મળી જતો હોય તો તમે સમજી શકો છો કે જેટલો દારૂ પોલીસે ઝડપ્યો છે તે ફક્ત 10% જેટલો જ હોવો જોઈએ અને તેનાથી વધુ પ્રમાણમાં દારૂ બહાર ઠલવાતો હશે. જવાબદાર તંત્ર આ વાતોથી અજાણ નથી પરંતુ ખરેખર જો પોતાની તિજોરી છોડીસરકારની તિજોરી ભરવી હોય તો હવે ગાંધીજીનું નામ નો ખોટો આડંબર છોડી ગુજરાતમાં દારૂની છૂટ આપી દેવી જોઈએ કારણ કે ગુજરાત એવું રાજ્ય છે જેની ચારે તરફ આવેલા રાજ્યોમાં દારૂની છૂટ હોય તેઓ ખૂબ સારી રેવન્યુ મેળવી રહ્યા છે.