નિયમિત ક્રમે પ્રમાણે લીલાપોરમાં રહેતા 56 વર્ષિય પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડનું ટ્રેન અકસ્માતમાં ઘટના સ્થળે મોત થયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડ પાસેના લિલાપોર ગામમાં અતુલ ફળીયામાં રહેતા 54 વર્ષિય આધેડ આજે સવારે 6:30 વાગ્યાના સુમારે ઘરેથી નિયમિત ક્રમ મુજબ અતુલ કંપનીમાં નોકરી જવા નિકળ્યા હતા. વલસાડ સ્ટેશને તેઓ પાટો ઓળંગી રહ્યા હતા તે દરમિયાન ગુડ્ઝ ટ્રેન અચાનક આવી જતા અડફેટમાં આધેડનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
અરેરાટી ઉપજાવતી ઘટનાની વિગતો મુજબ વલસાડના લીલાપોર ગામમાં અતુલ ફળીયામાં રહેતા પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડ આજે સોમવારે સવારે ઘરેથી અતુલ કંપનીમાં નોકરીએ જવા નિકળ્યા હતા. પ્રકાશભાઈ વલસાડ સ્ટેશને પાટો ઓળંગી રહ્યા હતા ત્યારે અચાનક ગુડ્ઝ ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટમાં તેઓ પટકાયા હતા. માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રકાશભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ગામના સરપંચ મનોજભાઈ આહીરને ઘટનાની જાણ થતા રેલવે સ્ટેશન ઉપર દોડી આવ્યા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. વલસાડના સરકારી હોસ્પિટલમાં ડેથબોડીનું પી.એમ. કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા લીલાપોરગામમાં ગમગીની પ્રસરી જવા પામી હતી.