ઓવાડામાં નિલેશ રમણભાઈ પટેલના વાડામાં બાંધેલ બળદ અને કેવાડામાં રખડતા બે બળદોનો દિપડાએ શિકાર કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વલસાડ આસપાસના ગામોમાં ખોરાકની શોધમાં દિપડાઓ અનેક ગામોમાં આવી જતા હોય છે. તેવો વધુ એક બનાવ રવિવારે રાત્રે બન્યો હતો. વલસાડ પાસેના ઓવાડા અને અડીને આવેલ કેવાડા ગામે રાત્રે દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કર્યાની ઘટના ઘટી હતી. ઘટના બાદ ચારે તરફ ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી.
વલસાડ પાસેના ઓવાડા ગામે નિશાળ ફળિયામાં રેહતા ખેતી અને પશુપાલનનું કામ કાજ કરતા નિલેશભાઈ રમણભાઈ પટેલના ઘર પાસે વાડામાં બળદ બાંધ્યો હતો. સવારે જોયુ તો બળદ મરેલો જોવા મળતા દિપડો આવ્યાની જાણ થઈ હતી. દિપડો આટલે નહોતો અટકી ઓવાડા પાસે આવેલ કેવાડા ગામમાં પહોંચી રખડતા અન્ય એક બળદનો પણ શિકાર કર્યો હતો. એક જ રાતમાં બે-બે અબોલ જીવ બળદોના દિપડાએ કરેલા શિકારને લઈ ચારે તરફ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ગામનાઅગ્રણીઓએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દિપડાને પાંજરામાં પુરવા પાંજરૂ ગોઠવવાની તાત્કાલિક ગોઠવણ શરૂ કરી હતી. વલસાડ વિસ્તારમાં દિપડાઓનો વધી રહેલા આંટાફેરા વારંવાર ભયનો માહોલ આસપાસના ગામોમાં સર્જવાની ઘટનાઓ વધી રહી છે.

