ગ્રામ્ય જનતાની જરૂરિયાત સાથે જોડાયેલા દરેક વિભાગો વિવિધ પંચાયતોમાં જઈ લોકોની સમસ્યાનાનિરાકરણ માટે પ્રયાસ કરી રહ્યા છે જે સુશાસનની દિશાનું મહત્ત્વનું પગલું: વી.સી.પાંડે- નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી અને પૂર્વ દમણ જિ.પં. સી.ઈ.ઓ.
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ ગતિશીલ નેતૃત્વમાં દમણ જિલ્લામાં 19 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર, 2024 સુધી ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમોમાં ગ્રામ પંચાયતોમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેમાં આજે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમના સમાપન સમારંભનું પણ આયોજન થયું હતું.
દમણવાડા ગ્રામ પંચાયત ખાતે આયોજીત ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમના સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે દમણ જિલ્લા પંચાયતના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (સી.ઈ.ઓ.) અને નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી શ્રી વી.સી.પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા દમણ જિલ્લા પંચાયતના સી.ઈ.ઓ. અને નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી શ્રી વી.સી.પાંડેએ સંઘપ્રદેશ પ્રશાસનની પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય જનતાની જરૂરિયાત સાથે જોડાયેલા દરેક વિભાગો વિવિધ પંચાયતોમાં જઈ લોકોની સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસકરી રહ્યા છે જે સુશાસનની દિશામાં મહત્ત્વનું પગલું છે. તેમણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શૈક્ષણિક, પ્રવાસન અને આરોગ્ય ક્ષેત્રે થયેલા ઐતિહાસિક વિકાસની પણ નોંધ લીધી હતી. તેમણે લોકોની સમસ્યાના નિરાકરણ માટે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા થઈ રહેલા પ્રયાસની પણ સરાહના કરી સરપંચશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના પ્રભાવશાળી માર્ગદર્શનમાં આયોજીત ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરથી ગ્રામજનોને થનારા લાભની વાત જણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દમણ જિલ્લા પ્રશાસનના કાબેલ અને લોકાભિમુખ વહીવટના કારણે નીતિ-નિયમ મુજબના કામો અટકતા નથી અને સમયમર્યાદામાં થઈ જાય છે. તેમણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા નવા વર્ષ 2025ના આરંભમાં તમારા આંગણામાં ગ્રામ પંચાયત કાર્યક્રમના થનારા આયોજનની જાણકારી આપી હતી જેમાં સ્થળ ઉપર જ જન્મ-મરણના દાખલા, ઈન્કમ સર્ટીફિકેટ, રેસિડેન્ટ સર્ટીફિકેટ વગેરે જેવા દસ્તાવેજો તથા જરૂરી કાગળિયા બનાવવાની થનારી વ્યવસ્થાની માહિતી આપી હતી.
દમણના વિકાસ ઘટક અધિકારી (બી.ડી.ઓ.) શ્રી મિહિર જોષીએસુશાસન સપ્તાહ અંતર્ગત આયોજીત ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરના આયોજનની વિસ્તૃત માહિતી આપી હતી અને સંઘપ્રદેશ પ્રશાસને નાગરિકોના સુશાસન માટે કરેલા પ્રયાસોની પણ જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ પટેલ, શિક્ષણ વિભાગ દમણ જિલ્લાના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી આર.કે.સિંઘ, નગરપાલિકાના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી અરવિંદભાઈ પટેલ, વિવિધ વિભાગોના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરમાં ઘણાં લાભાર્થીઓએ પ્રશાસનની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આરોગ્યની ચકાસણી પણ કરાવી હતી, જેમાં પ્રેસર તથા સુગરની તપાસ કરાઈ હતી.
કાર્યક્રમનું સંચાલન શ્રી સ્માર્તે ખુબ જ કુશળતાથી કર્યું હતું.