(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘‘ફુટબોલના માધ્યમથી જીવન કૌશલ” ત્રણ દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું હતું જેનું શનિવારે સમાપન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના ફલાંડી ખાતેની સરકારી હાઈસ્કૂલ ‘‘ફુટબોલના માધ્યમથી જીવન કૌશલ”તાલીમ શિબિરનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ફૂટબોલના માધ્યમથી બાળકોમાં જીવન કૌશલ જેવા આત્મજાગૃતિ, ટીમવર્ક, નેતૃત્વ ક્ષમતા, તણાવ પ્રબંધન અને નિર્ણય લેવાની ક્ષમતાનો વિકાસ કેવી રીતે કરી શકાય એ બાબતે અપર પ્રાઈમરી શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
કાર્યક્રમનુ આયોજન ડાઈટ દમણ અને સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ઓસ્કાર ફાઉન્ડેશન મુંબઈના વિશેષજ્ઞ દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો ઉદેશ્ય બાળકોને સમગ્ર વિકાસનો ખેલના માધ્યમથી સશક્ત કરવાનો હતો.
આ અવસરે ‘‘ફૂટબોલના માધ્યમથી જીવન કૌશલ” નામની હેંડબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જે શિક્ષકો માટે ઉપયોગી અને એક વ્યવહારિક સંસાધન સાબિત થશે. આ બુકનું વિમોચન આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી પરિતોષ શુક્લા, જિલ્લા શિક્ષણ અધિકારી (ખેલ) શ્રી ગૌરાંગ વોરા, ડાયટ લેક્ચરર શ્રી રોહિત શર્મા, ઓસ્કાર ફાઉન્ડેશન મુંબઈના સંસ્થાપક નિર્દેશક શ્રી અશોક રાઠોડ, ચીફ ઓપરેટિંગ ઓફિસર શિલ્પી શર્મા દ્વારા કરવામાંઆવ્યું હતું.
જેનું શનિવારે સમાપન સત્ર યોજવામાં આવ્યું હતું. આ અવસરે સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતીન ગોયલે ઓનલાઈનના માધ્યમથી સંબોધન કર્યું હતું. તેમણે શિક્ષકોના પ્રયાસની સરાહના કરતા અને જીવન કૌશલનું મહત્ત્વ સમજાવતા યોજનાને શાળાકીય સ્તરે પ્રભાવી રૂપથી લાગુ કરવા માટે એક કાર્ય યોજના પ્રસ્તૂત કરી હતી. શ્રી ગોયલે ડાયટ દમણ, સમગ્ર શિક્ષા વિભાગ, સી.આર.સી. કો-ઓર્ડીનેટર, ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક, માસ્ટર ટ્રેનર અને ઓસ્કાર ફાઉન્ડેશન ટીમના યોગદાનની પ્રસંશા કરી હતી અને એમના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.