દમણ શહેર ભાજપના અધ્યક્ષ તરીકે પિયુષભાઈ પટેલની પુનઃ વરણીઃ કાર્યકરોમાં આનંદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આજે જિલ્લાના મંડળ અધ્યક્ષોની ઘોષણા પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની ઉપસ્થિતિમાં પ્રદેશના સંગઠનાત્મક ચૂંટણી અધિકારી શ્રી ધર્મેશસિંહ ચૌહાણે દમણ પ્રદેશ કાર્યાલય ખાતે કરી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, મંડળોના અધ્યક્ષોની નિમણૂક દરેકની સર્વ સંમતિથી કરવામાં આવી છે. મંડળોના અધ્યક્ષોની નિયુક્તિ પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ અને પૂર્વ ભાજપ અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભાજપના આગેવાનો સાથે મસલત કર્યા બાદ કરવામાં આવી છે.
દમણ શહેર ભાજપના અધ્યક્ષ તરીકે શ્રી પિયુષભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ભીમપોર મંડળના અધ્યક્ષ તરીકે શ્રી સાહિલ એન. પટેલ, દુણેઠાના શ્રી યોગેશ એન. પટેલ, વરકુંડના શ્રી જયેશ ભાનુશાળી, ઘેલવાડના શ્રી મેહુલ પટેલ, સોમનાથના શ્રી રાજેશ શુક્લા, કચીગામના શ્રી મનિષ પટેલ,પટલારાના શ્રી વિજય આર. પટેલ, દમણવાડાના શ્રી જતિન માંગેલા, પરિયારીના શ્રી વિનય અમ્રત પટેલ અને દાભેલ મંડળના અધ્યક્ષ તરીકે શ્રી રામસિંગ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
દમણ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલ સમારંભમાં ફટાકડાઓની આતશબાજી અને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરી આનંદ-ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે નવનિયુક્ત અધ્યક્ષોને અભિનંદન અને શુભકામના આપી હતી.
આ કાર્યક્રમમાં દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખો શ્રી મહેશભાઈ આગરિયા અને શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ સચિવ શ્રી જીજ્ઞેશ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા, પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ, શ્રી શૌકત મિઠાણી, શ્રી નિમેશ દમણિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
દાનહ જિલ્લા ભાજપ મંડળના અધ્યક્ષોની કરાયેલી ઘોષણા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : સેલવાસના અટલ ભવન ખાતે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લાના મંડળોના અધ્યક્ષોની ઘોષણા પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપસંગઠનાત્મક ચૂંટણી અધિકારી શ્રી ધર્મેશસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.
સુરંગી મંડળ ભાજપના અધ્યક્ષ તરીકે શ્રી વિનોદ ધાંગડા, આંબોલીના શ્રી આકાશ લક્ષી વાડકર, ખેરડીના શ્રી ધાકલ જે. વળવી, ખાનવેલના શ્રી સોનજી છીતરા કુરકુટિયા, રૂદાનાના શ્રી મહેન્દ્ર તાનિયા બોન્ડ, દૂધનીના શ્રી જીજ્ઞેશ નાનુભાઈ પટારા, કૌંચાના શ્રી ગુના થોદગા, માંદોનાની શ્રી લાહનુ ઝીમનિયા અને સિંદોની ભાજપ મંડળના અધ્યક્ષ તરીકે શ્રી રઘુનાથ કેશવ ભોયાની નિમણૂક કરવામાં આવી હતી.
દીવ મંડળ ભાજપની ઘોષણા દીવ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી મોહનભાઈ લકમણે સંગઠનાત્મક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રામજી બીકાએ તૈયાર કરેલ યાદી પ્રમાણે કરી હતી. જેમાં વણાંકબારા ભાજપ મંડળના અધ્યક્ષ તરીકે શ્રી નરસિંહ રામજી સોલંકી, સાઉદવાડીના શ્રી કમલેશ નાનજી, બુચરવાડાના શ્રી દિપક દેવજી, ઝોલાવાડીના શ્રી રાહુલ કાનજી, દીવ મંડળના શ્રી ક્રિડન શાહ અને ઘોઘલા મંડળ ભાજપના અધ્યક્ષ તરીકે શ્રી ભવ્યેશ નથુ કામલિયાની નિમણૂક કરવામાં આવી હતી.