નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપ કાર્યકર્તાઓએ નવા નિમાયેલા પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલને આપી શુભેચ્છા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.25: 25 મી ડિસેમ્બર એટલે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ. વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન એમણે કરેલ દેશ પ્રત્યેના કાર્યોને લઈ ભાજપ દ્વારા તેમના જન્મદિવસને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે.
પારડી ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે ઉજવવામાં આવેલ વાજપેયીના 100 માં જન્મદિન નિમિત્તે ગુજરાતના નાણામંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જનસંઘ સમયથી ભાજપના કાર્યકર્તા સાથે વાજપેયીની પ્રતિમાને ફુલહાર ચડાવી તેમના કાર્યોને યાદ કર્યા હતા.
આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખોની વરણી બાદ પ્રથમ વખત શહેર પ્રમુખો માટે દાવેદારી કરનારા તમામ બાકીના આઠ ઉમેદવારો પણ ઉપસ્થિત રહી નવા નિમાયેલા ભાજપ શહેર પ્રમુખ વિપુલ પટેલને શુભેચ્છા આપી હતી. આ ઉપરાંત ટૂંક જ સમયમાં પારડી નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી હોય ગઈ વખત જેવી 14-14 ની પરિસ્થિતિ નિર્માણ ન પામે અને ટિકિટ કોઈને પણ મળે પરંતુ સૌ સાથે મળી ફરી એકવાર સંપૂર્ણબહુમતીથી પારડી નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થપાય એવું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ, નવા નિમાયેલા પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, યુસુફભાઈ વોરા પારડી શહેર ભાજપ પ્રમુખ તરીકે દાવેદારી કરનારા તમામ ઉમેદવારો તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.