ધોરણ નર્સરીથીકોલેજ તેમજ એન્જિનિયર-ડોક્ટરની ડીગ્રી મેળવી ઝળહળતો દેખાવ કરનારા વિદ્યાર્થીઓને ઈનામોનું કરાયેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : શ્રી દૈવજ્ઞ સમાજ, દમણની શિક્ષણ સમિતિ દ્વારા ગત તા.22મી ડિસેમ્બરના રોજ તેજસ્વી તારલાઓને ઈનામો આપી સન્માનિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્સરીથી લઈ કોલેજ સુધી અને એન્જિનિયર તેમજ ડોક્ટરની ડીગ્રીની પ્રાપ્ત કરી ઝળહળતો દેખાવ કરનારા સમાજના બાળકો, વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દૈવજ્ઞ સમાજ, દમણના શિક્ષણ સમિતિ દ્વારા આયોજીત સન્માન સમારંભમાં શિક્ષણ સમિતિના પ્રમુખ ડો. અગમકુમાર ચોનકર સાથે શ્રીમતી જાગૃતિ જગરે, શ્રી જીગ્નેશ ધોન્ડે, શ્રી નરેન્દ્ર ગજરે, શ્રી હાર્દિક ચોનકર, શ્રી કિશોર જગરે, શ્રી મહેશ માલનકર અને શ્રીમતી પ્રફુલ્લા ગજરેનો મુખ્ય ફાળો રહ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ કુ. ઈશ્વરી અગમકુમાર ચોનકર દ્વારા સુંદર સ્વાગત ગીતની પ્રસ્તુતિથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દમણ ભાજપના નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા હતા. ઈનામ વિતરણ કાર્યક્રમમાં ધોરણ નર્સરીથી લઈને કોલેજ તથા એન્જિનિયર અને ડોક્ટરની ડીગ્રી પ્રાપ્ત કરનારા ઉજ્જવળ કારકિર્દી ધરાવતા પ્રથમ, દ્વિતીય અનેતૃતિય ક્રમ ધરાવતા વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી હિરેનભાઈ જોશી, દમણ નગરપાલિકાના વોર્ડ નં.9ના કાઉન્સિલર શ્રીમતી જસવિન્દર કૌર, રિટાયર્ડ સિટી-સિવિલ જજ-અમદાવાદના શ્રી સુરેશભાઈ ગજરે, એ.બી.વી.પ. કાર્યકરર્તા કુ. યુતિ પ્રદિપ, એડીશનલ પબ્લિક પ્રોસિક્યુટર-સેશન કોર્ટ મુંબઈના શ્રીમતી ગીતા માલનકર, દૈવજ્ઞ સમાજ દમણના પ્રમુખ શ્રી ઉમેશ માલનકર, શ્રી દૈવજ્ઞ સમાજ દમણના યુવક મંડળ પ્રમુખ શ્રી વિકાજ ગજરે, શ્રી દૈવજ્ઞ સમાજ દમણના મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી કલ્પના અગમકુમાર સહિત સમાજના તમામ આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.