દમણ નજીકના સુરત, વલસાડ, વાપી, નવસારી, ઉમરગામ, દહાણું વગેરે વિસ્તારથી આવતા પ્રવાસીઓમાં આનંદની લાગણીઃ આખરે સાંસદ મામાએ હળવી કરેલી ચિંતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે થર્ટીફર્સ્ટની ઉજવણી કરવા દમણ આવતા દારૂ પીધેલા પ્રવાસીઓની રહેવા માટેની વ્યવસ્થા દમણ જિલ્લા કોળી પટેલ સમાજના હોલમાં કરવાની જાહેરાત કરી છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દમણની લગભગ તમામ હોટલો પ્રવાસીઓથી ભરચક રહે છે. તેમાં દમણ નજીકના સુરત, વલસાડ, વાપી, નવસારી, ઉમરગામ, દહાણું વગેરે વિસ્તારથી આવતા પ્રવાસીઓ પરત પોતાના ગામ તરફ જવા માટે નીકળે તે દરમિયાન ગુજરાતની સરહદમાં પીધેલા પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવતી હોય છે. તેથી દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ખાસ કરીને ગુજરાતના પીધેલા પ્રવાસીઓને પોતાના કોળી પટેલ સમાજના હોલમાં રહેવાની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે.
સુરતીઓના મામા
દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની પીધરાઓ માટે દમણજિલ્લા કોળી પટેલ સમાજના હોલમાં રહેવાની વ્યવસ્થા માટે કરેલી જાહેરાતના પડી રહેલા ઘેરા પ્રત્યાઘાતો
દમણ જિલ્લા કોળી પટેલ સમાજના વોટ્સ એપ ગ્રુપમાં પણ પડી રહેલા પડઘાં
દમણ જિલ્લા કોળી પટેલ સમાજના અધિકૃત બંધારણથી વિપરીત તાનાશાહીથી સાંસદશ્રીએ લીધેલા નિર્ણયથી કોળી પટેલ સમાજ અસંતુષ્ટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30: સુરતીઓના મામા તરીકે જાણીતા દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પોતાના પીયક્કડ ભાણેજો માટે થર્ટીફર્સ્ટની રાત્રિએ દમણ જિલ્લા કોળી પટેલ સમાજના હોલમાં રહેવાની વ્યવસ્થા કરવા કરેલી જાહેરાતના કોળી પટેલ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા કોળી પટેલ સમાજનો વહીવટ પોતાના બંધારણ પ્રમાણે કરવામાં આવે છે. જેમાં સમાજના ભાઈ-બહેનોએ હોલ ભાડે લેવા માટે નિયત ફીની ચૂકવણી કરવી પડતી હોય છે. તેની સામે દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે થર્ટીફર્સ્ટની ઉજવણીમાં મોજશોખ કરવા આવતા પ્રવાસીઓને કોળી પટેલ સમાજના હોલમાં રહેવાની વ્યવસ્થા કરવાની જાહેરાત કરતા બહુમતિ કોળી પટેલ સમાજમાં આકરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. જેનું પ્રતિબિંબ સમાજના વોટ્સએપ ગ્રુપમાં પણ જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે દમણજિલ્લા કોળી પટેલ સમાજનો હોલ સમાજના લોકો માટે એક મંદિરથી વિશેષ હોવાની લાગણી જોડાયેલી છે. તેમાં થર્ટીફર્સ્ટની ઉજવણી દરમિયાન ખાઈ-પીને જલસા કરી આવતા પીધરાઓ માટે હોલની જગ્યા આપવી કોઈપણ પ્રકારે સુસંગત નહીં હોવાની લાગણી પણ પ્રગટ થઈ રહી છે. ઘણાં એવું કહી રહ્યા છે કે, સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને સમાજના હોલનો પોતાની રીતે ઉપયોગ કરવાની સત્તા કોણે આપી? કારણ કે, દમણ જિલ્લા કોળી પટેલ સમાજના અધ્યક્ષ સહિત તમામ કારોબારી સભ્યોએ હજુ સુધી આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. તેથી તેમની ભૂમિકા પણ સમાજના લોકોમાં સંદેહ પેદા કરી રહી છે. તેથી સુરતીઓના મામા એવા સાંસદશ્રીએ ભાણેજો માટે બતાવેલી ઉદારતા થર્ટીફર્સ્ટની રાત્રિએ સાર્થક થશે કે કેમ? તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.