થર્ટીફર્સ્ટની ઉજવણીના ઉપક્રમે દમણની નાની-મોટી તમામ હોટલોનું બુકિંગ ફૂલઃ હોલીડે હોમ માટે પણ પ્રવાસીઓને પડી રહેલા ફાંફા
પ્રવાસન નગરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનવાથી ફક્ત ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રના મુંબઈ, થાણા, પૂણે, નાશિક સહિત દેશના ખુણે ખુણેથી પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે સહેલગાહે આવી રહ્યા છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : દમણની નાની-મોટી તમામ હોટલો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લગભગ ફૂલ થઈ ચુકી છે. દમણમાં કાર્યરત હોલીડે હોમની માંગ પણ વધવા પામી છે. હવે દમણ બેચલર પાર્ટી માટે નહીં પરંતુ ફેમીલી ટુરીઝમ માટે મશહૂર બન્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણમાં થર્ટીફર્સ્ટ જ નહીં પરંતુ તમામ વીકએન્ડના દિવસોએ પ્રવાસીઓનો ધસારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે. પહેલાં મોટાભાગે સુરત કે દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ બેચલર પાર્ટી એટલે કે, માત્ર ખાવા-પીવા માટે આવનારા પુરૂષોની સંખ્યા વધુ હતી. હવે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રના મુંબઈ, થાણા, પૂણે, નાશિકસહિત દેશના ખુણે ખુણેથી પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે સહેલગાહે આવી રહ્યા છે. કારણ કે, દમણમાં હવે હરવા-ફરવાના અનેક નવા પ્રવાસન સ્થળો ઉભા થયા છે. જમ્પોરની એવીઅરી, જમ્પોર બીચ, મોટી દમણ લાઈટ હાઉસ, ફોર્ટ, દેવકા બીચ, છપલી બીચ સહિતના અનેક સ્થળોએ પ્રવાસીઓની મોટી સંખ્યા જોવા મળે છે. દમણના નમો પથ અને રામસેતૂ પથ ઉપર પ્રવાસીઓ માટે સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવાનો લ્હાવો અનેરો બની ચુક્યો છે. સાંજની પળો વિતાવવાનું એક મથક પણ બન્યું છે.
આજે દમણની લગભગ તમામ હોટલો ફૂલ જઈ રહી છે અને લારી-ગલ્લા ઉપર પણ ખરીદી કરતા તથા સ્ટ્રીટ ફૂડનો આનંદ માણતા પ્રવાસીઓ નજરે પડે છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની આગવી દૃષ્ટિથી દમણના કરેલા વિકાસના ફળ હવે નાગરિકો લઈ રહ્યા છે.