દમણ જિલ્લા કોળી પટેલ સમાજના અધ્યક્ષ ચંચળબેન ડાહ્યાભાઈ પટેલને પાઠવેલો પત્ર
સમાજમાં કુવિચાર અને નશાને પ્રોત્સાહન આપે તેવા કાર્યો માટે હોલનો ઉપયોગ લેવાય તે કેટલો યોગ્ય?: મયંકભાઈ પટેલ
દમણ જિલ્લા કોળી પટેલ સમાજના હોલને લઈ ભૂતકાળમાં પણ કાનૂની કાર્યવાહીના બનાવો બની ચુક્યા છે અને ભવિષ્યમાં જો કોઈ કાનૂની દુર્ઘટના સર્જાશે તો તેની તમામ જવાબદારી સાંસદશ્રી અને તેમના સેવકોની રહેશેઃ મયંકભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા આગેવાન અને યુનિવર્સિટીના એવોર્ડ વિજેતા ધારાશાષાી શ્રીમયંકભાઈ છગનભાઈ પટેલે સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા થર્ટીફર્સ્ટની ઉજવણી માટે દમણ આવેલા પ્રવાસીઓને તેમના ઘરે જતા સમયે ગુજરાત બોર્ડર ઉપર પોલીસ દ્વારા થતી કનડગતથી બચવા કોળી પટેલ સમાજના હોલમાં રહેવાની વ્યવસ્થા કરવા સામે કેટલાક પ્રશ્નો ઉભા કરી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના અધ્યક્ષ શ્રીમતી ચંચળબેન ડાહ્યાભાઈ પટેલને એક પત્ર પાઠવ્યો છે.
દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા આગેવાન અને ધારાશાષાી શ્રી મયંકભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોળી પટેલ સમાજના હોલમાં મોજ-મસ્તી કરવા દમણ આવેલા દારૂડિયાઓને આશરો આપવો તે સમાજના બંધારણની અવહેલના છે.
અત્રે યાદ રહે કે, દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ભવનનું નિર્માણ તત્કાલિન સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલે પોતાનો લોહી-પસીનો એક કરી સાંસદ નીધિમાંથી બનાવ્યું હતું. પૂર્વ સાંસદ સ્વ. ડાહ્યાભાઈ પટેલ હંમેશા નશાખોરીના વિરોધી રહ્યા છે અને તેમના સંતાનો પણ નશો કરતા જાહેરમાં દેખાયા નથી. તેની સામે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના હોલને પોલીસ કનડગત નહીં કરે તે માટે ગુજરાત, મહારાષ્ટ્રથી આવેલા પ્રવાસીઓને આપવાનો નિર્ણય સુસંગત નહીં હોવાનું પણ શ્રી મયંકભાઈ પટેલે જણાવ્યું છે.
શ્રી મયંકભાઈ પટેલે વધુમાં જણાવ્યું છે કે, સમાજ કલ્યાણ માટે બનેલાહોલનો ઉપયોગ સાત્વિક કાર્યમાં જ થવો જોઈએ. સમાજમાં કુવિચાર અને નશાને પ્રોત્સાહન આપે તેવા કાર્યો માટે હોલનો ઉપયોગ લેવાય તે કેટલો ઉચિત છે? એવો પ્રશ્ન પણ તેમણે ઉભો કર્યો છે. તેમણે દારૂડિયા તથા ચીકન-મટન જેવો તામસી આહાર ગ્રહણ કરીને આવનારાઓ સમાજનો હોલ વાપરશે તો એ સમાજ સાથે અન્યાય અને આવનારી પેઢી માટે નશાનું પ્રોત્સાહન ગણાશે એવી લાગણી પણ વ્યક્ત કરી છે.
શ્રી મયંકભાઈ પટેલે જણાવ્યું છે કે, દમણ-દીવના સાંસદ હોવા છતાં એમણે સરકારી બગીચા, ઓપન પાર્કિંગ પ્લોટ અને અન્ય સમાજના હોલનો ઉપયોગ આ સેવાકીય કાર્ય માટે ફાળવાયા હોય એવો ઉલ્લેખ સાંસદશ્રી દ્વારા કરાયો નથી અને દીવમાં આ પ્રકારની કોઈ સેવાકીય વ્યવસ્થા સાંસદશ્રી દ્વારા ઉભી કરાઈ હોય એવું જણાયું નહીં હોવાની વાત પણ કહી છે.
દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા આગેવાન અને ધારાશાષાી શ્રી મયંકભાઈ પટેલે ભય પ્રગટ કરતા જણાવ્યું છે કે, આ પ્રકારના આયોજનોથી ભૂતકાળમાં પણ કાનૂની કાર્યવાહીના બનાવો બની ચુક્યા છે અને ભવિષ્યમાં જો કોઈ કાનૂની દુર્ઘટના સર્જાશે તો તેની તમામ જવાબદારી સાંસદ શ્રી અને તેમના સેવકોની રહેશે. તેમણે સમાજની સાત્વિક ઊર્જા જળવાય, દારૂડિયા વધુ પડતા દારૂ ઢીંચી હોલમાં ઉલટી નહીં કરે, સમાજનું માન-સન્માનજળવાય, સાંસદશ્રી દ્વારા પોતાના સેવકોને પ્રવાસીઓની વ્યવસ્થામાં લગાવવા અને હોલના સેવકોનો ઉપયોગ નહીં કરવા પણ અરજ કરી છે.