(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાનહ કોંગ્રેસ તરફથી આગામી લોકસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. શનિવારે આખો દિવસ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિવિધ સમાજન લોકો દ્વારા કોંગ્રેસ ઉમેદવાને સમર્થન આપવા માટે ઉમટી પડયા હતા. ત્યારે સાંજે પણ વિવિધ સોસાયટીના લોકોએ કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીને જોરદાર સમર્થન આપ્યું હતું. આ અવસરે લોકોએ ‘કોંગ્રેસ લાઓ, બચાવો દેશ બચાવો.’ના સ્વયંભૂ સૂત્રોચ્ચાર કર્યા હતા. શનિવારે જ કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશ શર્માએ કર્યું હતું.આખો દિવસ કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં કોલાહલ રહી હતી. હજારો લોકોએ કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીને ટેકો આપવાની જાહેરાત કરી હતી.
આ અવસરે કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશ શર્માએ કાર્યાલયમાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આજની તારીખમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, મીની ઇન્ડિયા તરીકેઓળખાય છે. અહીં દરેક ભાષા અને પ્રાંતના રહેવાસીઓ પ્રગતિના માર્ગ પર ખભાથી ખભો મિલાવીને ચાલી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાંથી જુદી જુદી જાતિ, ધર્મ, ભાષાના લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રગતિના માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાષા અને પ્રાંતવાદની સાંકડી રાજનીતિ કરતા કેટલાક પક્ષોના ગુંડાઓ પ્રદેશના વિકાસના માર્ગમાં અવરોધરૂપ બની શકે છે. તેમણે કાર્યકર્તાઓને આવી પરિસ્થિતિ સામે એકજૂથ થઈને શાંતિપૂર્ણ રીતે લડવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રદેશને શ્રેષ્ઠ પ્રદેશ બનાવવા માટે માત્ર કોંગ્રેસ જ કામ કરશે. લોકોએ ભાજપને જોયો, તે પહેલા તેમણે ઘણા સાંસદો જોયા, હવે પ્રદેશના લોકોએ મન બનાવી લીધું છે કે કોંગ્રેસે તક આપવી પડશે.
સાંજે વિવિધ સોસાયટીઓમાં કોંગ્રેસ પ્રમુખ શ્રી મહેશ શર્મા સાથે ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડી અને કાર્યકરોએ ઘરે ઘરે જઈને મતદારો સાથે વાત કરી અને કોંગ્રેસના વિઝનને સામે રાખીને તેને સમર્થન આપવાની અપીલ કરી હતી.
