-
ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત હંમેશા ગરીબોના કલ્યાણનું વિચારે છે અને પોતે પણ કાળી મજૂરી કરી આગળ આવ્યા હોવાથી પ્રદેશના છેવાડેના લોકોનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમઃ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રાજન સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
સેલવાસઃ લોકજનશક્તિ પાર્ટીના સેંકડો કાર્યકર્તા સહિત પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી રાજન સોલંકીએ પોતાના પોતાનું સંપૂર્ણ સમર્થન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને આપવાની જાહેરાત કરી હતી.
શ્રી રાજનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી લોકસભા ચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર નથી અને ભાજપ સાથે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન છે. સાથે સાથે શ્રી મહેશભાઈ ગાવિત અમારા જૂના મિત્ર છે જે હંમેશા ગરીબો માટે વિચારે છે અને તેઓ પોતે પણ કાળીમજૂરી કરી આગળ આવ્યા છે. તેમજ તેમની વિકાસની દૃષ્ટિ જોઈને લોક જનશક્તિ પાર્ટીએ ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને સમર્થન આપવાનો સર્વસંમતિપૂર્વક નિર્ણય લીધો હોવાનું શ્રી રાજનભાઈ સોલંકીએ સ્પષ્ટતા કરી હતી.
ગુરુવાર તા.21મી ઓક્ટોબર, ર0ર1ના રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા કે લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ મહાસચિવ શ્રી તુષાર ભાવસાર, સવિચ શ્રી નિલેશ સિંઘ, યુવા પ્રમુખ શ્રી અજિત સિંહ પરમાર, યુવા ઉપાધ્યક્ષ શ્રી મિલનભાઈ ગોરાટ, વરિષ્ઠ કાર્યકર્તા શ્રી સુભાષ મોર, શ્રી ધર્મેશ રડીયાલ સહિત અનેક લોકજનશક્તિ પાર્ટીના કાર્યકરો પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય સચિવ અને દાનહ અને દમણ દીવના પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર દ્વારા દાનહ પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિત, સેલવાસ નગર પાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, વરિષ્ટ કાર્યકર શ્રી દિગ્વિજયસિંહ પરમાર, દ્વારકાનાથ પાંડે વગેરે વરિષ્ટ નેતાઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકિતા પટેલે પત્રકાર પરિષદનું સંચાલન કર્યુ હતું.
શ્રી રાજનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચિરાગ પાસવાને હંમેશા એ સ્પષ્ટ કર્યુ છે કે ભાજપ અને લોજપાની વિચારધારા એકજ છે. એ વિચાર સાથેઅમે ભાજપને સમર્થન આપ્યું છે. ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતે લોજપા પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભાજપની વિકાસની રાજનીતિને સમર્થન કરવા માટે હું આપ સૌનો સૌનો હૃદયપૂર્વક આભારી છું.
ખભેથી ખભો મેળવી મહેશભાઈ ગાવિતને વિજેતા બનાવીશું
‘‘દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સીધી બેંક ટ્રાન્સફર યોજનાઓનો પ્રચાર મેં અને શ્રી મહેશભાઈ ગાવિતે પ્રદેશમાં કર્યો છે. જ્યાં પણ ગરીબોના કલ્યાણ અને તેમના વિકાસની વાત આવે તો શ્રી મહેશભાઈ અગ્રેસર રહ્યા છે. દેશના વડાપ્રધાન શ્રી મોદીને કારણે દેશની વિકાસની રફતારને ગતિ અપાવવા માટે અમે ભાજપના કાર્યકર્તાઓ સાથે ખભેથી ખભા મિલાવીને કામ કામ કરીશું.”: – રાજન સોલંકી, દાનહ લોજપા પ્રદેશ પ્રમુખ