જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવા જરૂરી આવકના દાખલા તેમનાઘરઆંગણે જ મળી શકે તેવી કરાયેલી વ્યવસ્થાથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના ચહેરા ઉપર સંતોષ અને ખુશીની ઝળકેલી લહેર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માનવીય અને સંવેદનશીલ અભિગમ અંતર્ગત દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસના દિશા-નિર્દેશ હેઠળ આજે સેલવાસ વિભાગની વિવિધ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રેવન્યુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવા માટે જરૂરી આવકનો દાખલો આ શિબિરમાં આપવામાં આવ્યો હતો.
સેલવાસ વિભાગની હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પોતાના આવકના દાખલા માટે સેલવાસ મામલતદાર કાર્યાલય સુધી લાંબા થવું પડતું હતું. જેના સ્થાને સેલવાસ વિભાગની હાયર સેકન્ડરી સ્કૂલમાં જ રેવન્યુ શિબિરનું આયોજન કરી અરજકર્તાઓને તે દિવસે જ આવકનો દાખલો (ઈન્કમ સર્ટીફિકેટ) મળી જાય તેવી વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી.
જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ શાળાઓમાં આવકનો દાખલો આપવાની કરાયેલી વ્યવસ્થામાં આજે (1) ટોકરખાડા મોડેલ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં 183, (2) નરોલી ઉચ્ચતર વિદ્યાલયમાં 145, (3) દાદરા ઉચ્ચતર વિદ્યાલય 57, (4) રાંધા ઉચ્ચતર વિદ્યાલય106 અને (5) રખોલી ઉચ્ચતર વિદ્યાલયમાં 118 અરજીઓ મળી કુલ 609 પૈકી 587 અરજીઓનો નિકાલ આજે કરી તમામને આવકનો દાખલો આપવામાં આવ્યો હતો. બાકી રહેલા 22 અરજકર્તાઓને તા.18મી સુધી આવકનો દાખલો આપવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, આ શિબિરથી શાળાના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
–