(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.18
ચીખલી તાલુકાના તલાવચોરના બારોલીયામાં આંગણવાડીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી. જમીનના વિવાદના કારણે બાંધકામ ટલ્લે ચઢતા છેલ્લા પાંચેક વર્ષથી દુધડેરીના મકાનના ઓટલા પર બાળકોને બેસાડવા પડતા હતા.
બારોલીયા સ્થિત આંગણવાડીનું મકાન સાતેક લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. અમીતાબેન, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, મહામંત્રી ડો.અશ્વિન પટેલ, શ્રી જીગ્નેશ નાયક, જિલ્લા પંચાયત સભ્ય રમીલાબેન, નિકુંજ પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી વૈભવભાઈ બારોટ સ્થાનિક તાલુકા સભ્ય રમીલાબેન હળપતિ, સીડીપીઓ આંગણવાડી કાર્યકર સહિત સ્થાનિકોની ઉપસ્થિતિમાં આ નવા મકાનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
બારોલીયામાં આંગણવાડીનું મકાન જર્જરિત થતા બાળકોને હંગામી ધોરણે ડેરીના મકાનના ઓટલા પર બેસાડી શિક્ષણ અપાતું હતું. પરંતુ ખાસ કરીને ચોમાસા દરમ્યાન ભારે હાલાકી પડતી હતી. સ્થાનિક એક આગેવાનના નકારાત્મક વલણને પગલે જમીનનો વિવાદ સર્જાતા બાંધકામ ટલ્લે ચઢયું હતું. જોકે તત્કાલીન જિલ્લાપંચાયત પ્રમુખ ડો.અમીતાબેનના પોતાના ગામના અને મત વિસ્તારના આ પ્રશ્ન હોય ભાજપ અગ્રણી ડો.અશ્વિનભાઈ સહિત સ્થાનિક ભાજપના આગેવાનો કાર્યકરો સાથે પ્રશ્નોના નિરાકરણ માટે હાથ ધરેલા પ્રયત્નો સફળ રહેતા આજે પાંચ વર્ષ બાદ મકાન તૈયાર થતા પાંચ વર્ષ જુના પ્રશ્નોનું નિરાકરણ આવતા સ્થાનિકોને મોટી રાહત થવા પામી હતી.
Previous post