Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવાપી

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

  • કોઈપણ રાજકીય પક્ષોની કોઈ સ્‍પષ્‍ટ વિચારધારા-સિધ્‍ધાંત ક્‍યાંય પણ દૂર સુધી જોવા મળતા નથી. ફક્‍ત ને ફક્‍ત મતદારોને લોભ, લાલચ, પ્રલોભન અવાસ્‍તવિક સપના હથેળીમાં ચાંદ જેવા બતાવીને રાજકીય પક્ષોના માંધાતાઓ મતદારોને છેલ્લા 75 વર્ષથી ઉલ્લું અને ભોટ બનાવીને તેઓ સત્તાની ખુરશી સુધી પહોંચતા રહ્યા છે.

  • ઉમેદવારોને મત આપજો કે આવનારા પાંચ વર્ષમાં વાપી સુખી અને સમૃધ્‍ધ, અને સુખાકારીભરી નગરી બને. એક વાત ખાસ ને ખાસ નોંધી લેજો, ઉમેદવાર કોઈપણ પક્ષનો હોય પણ તે કાર્યક્ષમ, શિક્ષિત અને સેવાભાવી છે કે નહીં તે તપાસી લઈને મતદાન કરશો. ખાલી ભાજપ કે કોંગ્રેસ કે આપ નહીં જોતા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં દક્ષ ઉમેદવાર જીતશે તો જ વાપીનો વિકાસ થશે. બાકી તો પાલિકામાં ટોળાશાહી થશે.

સન 2021નું વર્ષ ભારતવર્ષ ‘‘આઝાદીનો અમૃત મહોત્‍સવ વર્ષ” તરીકે ઉજવણી રહ્યું ભારતે લોકશાહીના 75 નિહાળ્‍યા, અનુભવ્‍યા. આ અંતરાલમાં દેશની લોકશાહીના અનેક નવરંગ જોવા મળ્‍યા છે. તેમાં ક્‍યાંક સરમુખ્‍તાર શાહીની ઝાંખપ પણ લાગી છે. સત્તા મેળવવા નિલેજતાની હદ સુધી રાજકારણીઓ જતા નિહાળાયા છે. સત્તાના સમિકરણો માટે દુશ્‍મન રાજકીય પક્ષોને દોસ્‍ત બનીને ગઠબંધન કરતાઆ દેશએ જોયા છે. તો માત્ર એક મતથી સંસદમાં હારનો શિકાર બનતા અટલ બિહારી બાજપાઈ જેવા રાજપુરુષોના લોકશાહીના ઈતિહાસ લખાયા છે. ત્‍યારે ખરેખર વાસ્‍તવિક રીતે આઝાદીનો અમૃત વર્ષ ઉજવવા જેવી નિતિમત્તા દેશના રાજકારણીઓએ દાખવી છે ખરી? તો જવાબ સ્‍પષ્‍ટ ના જ છે. માત્ર જાતિવાદ, ધર્મવાદ, ના સાંગઠા ચીપી ચીપીને ભારતની લોકશાહીએ 75 વર્ષ પસાર કર્યા છે. આ ઉજવણીને આઝાદીનો અમૃત મહોત્‍સવ કેવી રીતે ગણાવો કે કહેવો? કોઈપણ રાજકીય પક્ષોની કોઈ સ્‍પષ્‍ટ વિચારધારા-સિધ્‍ધાંત ક્‍યાંય પણ દૂર સુધી જોવા મળતા નથી. ફક્‍ત ને ફક્‍ત મતદારોને લોભ, લાલચ, પ્રલોભન અવાસ્‍તવિક સપના હથેળીમાં ચાંદ જેવા બતાવીને રાજકીય પક્ષોના માંધાતાઓ મતદારોને છેલ્લા 75 વર્ષથી ઉલ્લું અને ભોટ બનાવીને તેઓ સત્તાની ખુરશી સુધી પહોંચતા રહ્યા છે. ભારતનો મતદાર પણ પુક્‍ત નથી થયો હજુ સુધી સગીર જ છે. કારણ કે ઘરમાં જેમ વડીલો કહે તેમ બાળકો કરતા રહે. તેવું ભારતની લોકશાહી માટે સાબિત થતું રહ્યું છે. નેતાઓ જે ચિત્ર બતાવે, પ્રચાર કરે તેને સાચુ માનીને ખોબલે ખોબલે મત પેટીઓ ભરતા રહ્યા છે. પરિણામે મતદાર જ્‍યાં હતો ત્‍યાં જ આજે પણ છે. પણ મત ઝૂંટવી જનારાઓની સંપત્તિમાં હજારો ગણો વધારો માત્ર ને માત્ર 75 વર્ષમાં થઈ ગયેલો છે. દેશનાદરેક નેતાઓની જન્‍મકુંડળી તપાસજો, તેમના પરિવારનો 20 કે 25 વર્ષ પહેલાંનો ભૂતકાળ શોધજો… જવાબ આપો આપ મળી જશે. ત્‍યારે સવાલ એટલો જ થાય છે કે ભારતનો મતદાર ક્‍યાં સુધી રાંક બનતો રહેશે. ક્‍યારેક તો રાજકીય પક્ષોની પોલીસીઓ રાજ્‍યવાર બદલાઈ જતી હોય છે. બસ કેવળ સત્તા મેળવવાના નિર્લેજ ખેલનો જીવંત પુરાવો એટલે ભારતની લોકશાહી અને તેના વાહક એવા રાજકીય નેતાઓ. ખરેખર આઝાદીના 75 વર્ષ પછી પણ મતદારોમાં જાગૃતિ કેમ નથી આવતી? નેતાઓ દોરે એમ ક્‍યાં સુધી દોરાશો તેનું એક બીજુ પરિબળ આમાં કામ કરી જાય છે. શિક્ષણનો અભાવ અને ગરીબી પણ જવાબદાર છે. આ બે પરિબળોને લીધે ભારતની લોકશાહીને લુણો લાગ્‍યો છે.
આ લેખાકંનના પ્રારંભ આટલો ઉપસંહાર બાંધવાનો એક માત્ર હેતુ રહ્યો છે કે, આગામી 28મી નવેમ્‍બરના રોજ વાપી નગરપાલિકા સામાન્‍ય ચૂંટણી યોજાનાર છે. તેના સંદર્ભે શહેરમાં ચૂંટણીનો માહોલ છવાઈ ગયો છે. પાલિકામાં પ્રથમવાર ત્રિપાંખીયો જંગ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે મંડાઈ રહ્યો છે તે પહેલાં લોકશાહીમાં ચૂંટણીનો પ્રકાર સમજવો પણ જરૂરી છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી અને વિધાનસભા કે લોકસભાના ચૂંટણી વચ્‍ચે મોટી ભેદ રેખાઓ છે. ભેદરેખા એ છે કે, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી પરિણામ સીધુઆપણા ગામ, શહેર કે મહોલ્લાને સ્‍પર્શે છે. તમે જેને ચૂંટીને મોકલશો એ ઉમેદવાર પંચાયત કે નગરપાલિકામાં સીધો વહીવટમાં બેસશે, તેની કુનેહ તેની સુઝ-બુઝ અને વર્તણૂક ઉપર તમારા શહેરના વિકાસની ભાગ્‍યરેખા ચિતરાશે એટલે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં પક્ષ નહી પણ ઉમેદવારનું મહત્ત્વ અતિ ઘણું છે. જેવો ઉમેદવાર તમે ચૂંટીને મોકલશો તેવો વિકાસ અને પરિણામ આગામી પાંચ વર્ષ માટે જોવા મળશે તેથી પાલિકામાં બેસવા 44 કોર્પોરેટર એવા ચૂંટવા જોઈએ કે તેઓ ખરેખર વાપી શહેરનો વિકાસ કરી શકે અને તેનો સર્વાધિક આધાર મતદારો ઉપર છે. એટલે જ તો ચૂંટણીના દિવસે મતદારને રાજા ગણાવાયો છે. ઉમેદવારી કરગરી, ખોટા પ્રલોભન, લાલચો આપી તમારા મતો અંકે કરીને સત્તા ઉપર પાંચ વર્ષ બેસી જશે. કોર્પોરેટર બની જશે પણ મતદારો તે પછી પાંચ વર્ષ બાપડા-બિાચાર થઈને ફરતા રહેશે. ભારતની લોકશાહીની આજ દુર્દશા છે. નેતાઓ મતદારોને આપેલા વાયદા-વચનો ભૂલી જતા હોય છે. ખરેખર દેશની અન્‍ય ચૂંટણી કરતા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનું સવિશેષ મહત્ત્વ છે. કારણ કે ચૂંટાયેલી બોડી ગમે તે પક્ષની હોય પણ તેમની પ્રાથમિકતા નગરના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટેની હોય તો જ સાર્થકતા છે. બાકી ગઈ ભેંસ પાણીમાં એમ પાંચ વર્ષ બીજી ચૂંટણીસુધી બસ બળાપા જ કાઢતા રહેજો…અમારા રોડ સારા નથી, અમને સમયસર પીવાનું પાણી મળતું નથી, અમારા વિસ્‍તારમાં બરાબર સફાઈ થતી નથી. અમારા વિસ્‍તારની સ્‍ટ્રીટ લાઈટો બંધ છે. આવું ફરીવાર ના બને ફરી ફરી વાપીના નાગરિકોને બળાપા કાઢવા ના પડે તે માટે તા.28 નવેમ્‍બરનો દિવસ મતદાર રાજાનો છે. ઉમેદવારોને મત આપજો કે આવનારા પાંચ વર્ષમાં વાપી સુખી અને સમૃધ્‍ધ, અને સુખાકારીભરી નગરી બને. એક વાત ખાસ ને ખાસ નોંધી લેજો, ઉમેદવાર કોઈપણ પક્ષનો હોય પણ તે કાર્યક્ષમ, શિક્ષિત અને સેવાભાવી છે કે નહીં તે તપાસી લઈને મતદાન કરશો. ખાલી ભાજપ કે કોંગ્રેસ કે આપ નહીં જોતા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં દક્ષ ઉમેદવાર જીતશે તો જ વાપીનો વિકાસ થશે. બાકી તો પાલિકામાં ટોળાશાહી થશે. કારણ કે આપણી લોકશાહીની ત્રુટી ગણો કે કમનસીબી ઘણી વખત તો ચૂંટાયેલા સભ્‍યોના હાથમાં નિર્ણય લેવાની સત્તા હોતી નથી. નિર્ણય ઉપરથી લેવાય અને સભ્‍યએ તો માત્ર આંગળી ઊંચી કરીને એ ઠરાવ કે નિર્ણયને મંજૂરી આપવા જેવી લાચારી ભોગવ્‍યા વગર છૂટકો જ નથી તો આવી લોકશાહી શું કામની? પ્રજાએ ચૂંટેલ તેનો પ્રતિનિધિ નિરાધાર-અસહાય સ્‍થિતિમાં મુકાઈ જતો હોય તેનો મત કે મંતવ્‍ય લેવાય જ નહી. આ પક્ષીય રાજકારની દેન છે. ખરેખર તો સ્‍થાનિકસ્‍વરાજની ચૂંટણીમાં (ગામડાઓમાં હોય તેમ) કોઈ પક્ષ જ નહી માત્ર ઉમેદવાર જ ચૂંટણી લડતો હોય તો શું પાલિકા ચૂંટણીમાં ખરેખર એવું કેમ નહીં? દિર્ઘદૃષ્‍ટિથી વિચારવા જેવો સવાલ છે. પણ આજનો કોઈપણ રાજકીય પક્ષ તેવી તંદુરસ્‍ત લોકશાહી ઈચ્‍છતો જ નથી. ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય.
વિતેલા પાંચ વર્ષમાં વાપી નગરપાલિકામાં 44 પૈકી 41 કોર્પોરેટર ભાજપના ચૂંટાયેલા એનો સીધો અર્થ એ થયો કે વાપીની પ્રજાએ થોકડે થોકડે મતો ભાજપને આપી સત્તા સોંપી હતી. ભાજપે પાંચ વર્ષ ચલાવેલ નગરપાલિકાના શાસનનું સરવૈયુ ખરેખર કાઢવા જેવું ખરૂં કારણ કે ગુજરાતની સમૃધ્‍ધ અને એ ગ્રેડની વાપી નગરપાલિકા ગણાય છે તો સમકક્ષ વાપીનો વિકાસ થયો છે ખરો? હા વિકાસની પરિભાષા 2021માં જરૂર બદલાયેલી જોવા મળી કારણ કે સામૈે પાલિકાની સામાન્‍ય ચૂંટણી આવી રહી હતી એ વિકાસ નહીં પણ ચૂંટણીલક્ષી વિકાસ જ ગણવો રહ્યો. વાપીનું વાસ્‍તવિક ચિત્ર કંઈ જુદુ જ છે. વાપી 11 વોર્ડ ધરાવતો વિસ્‍તાર છે. તો શું તમામ તમામ 11 વોર્ડમાં વિકાસ થયો છે. આંતરિક દૃષ્‍ટિપાત કરજો માત્ર ને માત્ર ગણ્‍યા ગાંઠયા બે પાંચ વોર્ડમાં વિકાસ કામો નજરાશે. બાકીના વોર્ડની સમસ્‍યાઓ આજે પણ ઘુણી રહી છે. અમુક વોર્ડમાં સારા રોડ રસ્‍તાની ઉણપ છે.ગંદકીનું સામ્રાજ્‍ય જોવા મળે છે. સ્‍ટ્રીટ લાઈટના પ્રશ્નો છે. બ્‍યુટીફિકેશન જેવી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્‍યારે શહેરના સર્વાંગી વિકાસનું માત્ર ગુલાબી ચિત્ર બતાવાઈ રહ્યું છે. વાસ્‍તવિક ચિત્ર નથી અને આ વાત જે તે વોર્ડના નાગરિકો અને મતદારો સારી રીતે જાણે જ છે અને તેની અસર મતદાર ઉપર પડી શકે છે. વિપક્ષ મુદ્દો બનાવી શકે છે.
વાપી શહેરનો સમતોલ વિકાસ તમને ક્‍યાંય જોવા નહી મળે. વિકાસ હા દેખાશે પણ ગણ્‍યા ગાંઠયા વોર્ડમાં જ. જે વોર્ડના કાઉન્‍સીલર સજાગ છે, વગદાર છે. તેઓના વોર્ડમાં વિકાસ દેખાશે બાકી અન્‍ય વોર્ડ સમસ્‍યાગ્રસ્‍ત જ દેખાશે તેમાં નગરપાલિકા શાસનનો વાંક કાઢવા કરતા તમારા મતોથી ચૂંટીને તમે પાલિકામાં જે તે કોર્પોરેટરોને મોકલ્‍યા છે. તેમનો જ વાંક છે. કારણ કે તમારા વિસ્‍તારમાં તેઓ નાગરિક સુવિધા અપાવવા નિષ્‍ફળ રહ્યા છે. યા તો તેમનું પાલિકામાં કંઈ ઉપજતુ નથી યા તો માત્ર આંગળી ઊંચી કરવા જ તેઓ કોર્પોરેટર બન્‍યા છે. તેથી જ પાલિકાની આ આખી પટકથા નો મુખ્‍ય મુદ્દો જ છે કે પાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ સાચે જ રાજા બનવું પડશે. તમારા વિસ્‍તારમાં પ્રચાર કે વોટ માટે આવતા કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારોને સવાલો કરો તમારી સમસ્‍યાઓ જણાવો, અને તેઓ નિષ્‍ફળ રહ્યા છે તેના જડબાતોડજવાબો આપો. તા.28મીએ ઉમેદવારોની ખરેખર અગ્નિ પરિક્ષા સમજવી ભૂલ ભરેલ છે. ખરેખર તો મતદારોની અગ્નિ પરિક્ષા છે કે તેમને ચાર કે દશ ઉમેદવારો વોર્ડ પ્રમાણે હશે તેમાંથી કોણ સક્ષમ છે, કોણ જીતીને પ્રજા-નાગરિકોની સાથે રહેશે તેને જ તમારો મત આપજો અને તેથી જ લોકશાહીમાં તમારા મત કિંમતી મત કહેવાયો છે. તમારો મત વેડફાઈ જશે અપાત્ર ઉમેદવારોને મત આપી દેશો તો પરિણામે તમે વિકાસથી વંચિત રહી જશો.
વાપી નગરપાલિકાનું કરોડો રૂપિયાનું બજેટ ગુજરાત સરકારની વિવિધ યોજનાની કરોડો રૂપિયાની ગ્રાન્‍ટ મળી લખલૂટ રૂપિયા પાલિકા તિજોરીમાં આવે છે. પરંતુ આ તમામ કરોડો રૂપિયા પ્રજા કે શહેરના વિકાસમાં ખરેખર વાપી માટે વપરાય તો વાપી સિંગાપુર બની શકે એમ ચે અને આ સ્‍વપ્‍ન અને શબ્‍દો વાપીના પ્રથમ પ્રમુખ સ્‍વ.રાજુભાઈ શાહે જે તે ટાઈમે ઉચ્‍ચારેલા… પણ સિંગાપુર તો ન બન્‍યું વાપી પણ સમસ્‍યાઓનું નગર જરૂર બન્‍યું છે. આ ઉણપ આ સમસ્‍યાની જડ છે. પાલિકામાં ખદબદતો બેફામ ભ્રષ્‍ટાચાર એ પણ નાનો મોટો નહીં પણ કરોડો રૂપિયા જે તે સમયે વાયા કોન્‍ટ્રાક્‍ટરથી જે તે કોર્પોરેટરના ગજવે ઘૂસેલા છે. વર્તમાન ઉમેદવારો કે નેતાઓ કોઈ લોકસેવા કરવા જન્‍મ્‍યા જ નથી. ભ્રષ્‍ટાચાર કરી તેઓ લાખોમાં આળોટે છે. પણ વાપી શહેર અને પ્રજા ત્‍યાંજ રહે છે. વાપી પાલિકામાં લાંબા સમયથી ચીટકી બેઠેલ ચીફ ઓફિસર, સીટી ઈજનેર અને શાસક બોડીના ઘણા મોટા ભ્રષ્‍ટાચાર આચરાઈનું કહેવાઈ રહ્યું છે. વાપી નગરપાલિકાના ભ્રષ્‍ટાચાર તપાસ માટે સ્‍પે.સીટની રચના કરાય અને તળીયા ઝાટક તપાસ થાય તો ઘણા જ પગ તળે રેલો આવી જાય તેવી ગંભીર સ્‍થિતિ વચ્‍ચે પાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે. ત્‍યારે તા.28 નવેમ્‍બરે વર્તમાન યોજાનાર સામાન્‍ય ચૂંટણીમાં તમારા સાચા ઉમેદવારોને ઓળખશો અને તેમને જ મત આપશો તો જ વાપી શહેરનો વિકાસ થશે. બાકી તો આવનાર પાલિકા શાસનના પાંચ વર્ષ પણ એળે જશે. માટે જ વધુ એકવાર ઉલ્લેખની સાથે ચૂંટણીના દિવસે મતદારો ખરેખર રાજા બનજો. તમે છેતરાઈ જશો તો તેની કિંમત આપણા શહેરને ચૂકવવી પડશે આ નગ્ન સત્‍ય છે.

Related posts

રક્ષાબંધનના તહેવારને અનુલક્ષી સેલવાસ રેડક્રોસના દિવ્‍યાંગ બાળકો દ્વારા રાખડી તૈયાર કરી સ્‍ટોલ શરૂ કરાયો

vartmanpravah

નવસારી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરેલી માંગ

vartmanpravah

સેલવાસના મામલતદાર ટી.એસ.શર્મા અને લેન્‍ડ રિફોર્મ ઓફિસર બ્રિજેશ ભંડારી તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment