જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ આરોપી રમેશચંદ્ર તુલસીદાસ અગ્રવાલને નવસારી જેલમાં મોકલી અપાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28
સુરત કમિશ્નરેટ અને સેન્ટ્રલ જી.એસ.ટી. દ્વારા કરાયેલ તપાસ કાર્યવાહીમાં વાપીના સ્ક્રેપના વેપારી દ્વારા 6 કરોડની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડીટ લેવાઈ હોવાનું બહાર આવતા વેપારીની ધરપકડ કરીને નવસારી જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં મોકલી અપાયો હતો. કાર્યવાહી દરમિયાન ઓફીસ, બેંક ખાતા અને નાણાંકીય વહેવારો તપાસાયા હતા.
વાપી સૌરભ સોસાયટી, સાગર બંગલો, ગુંજનમાં રહેતા સ્ક્રેપના વેપારી રમેશચંદ્ર તુલસીદાસ અગ્રવાલના ધંધાના સ્થળે સુરત કમિશ્નરેટ અને સેન્ટ્રલ જી.એસ.ટી. દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેની તપાસમાં વેપારી દ્વારા 5.98 કરોડની બોગસ ઈનપુટ લીધી હોવાનું તપાસમાં બહાર આવતા આરોપી વેપારીની ધરપકડ કરાઈ હતી. ગતરોજ વાપી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ બાજપાઈની કોર્ટમાં રજૂ કરાયા હતા.
શ્રી પી.પી.પી. ઐયાઝ શેખની દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપી વેપારીને જ્યુડિશિયલ કસ્ટડી નવસારી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. વધુ તપાસ સુરત કમિશ્નરેટ કરી રહ્યા છે.