છેલ્લા બે દિવસથી ધસારો વધતા 63-ગ્રામ પંચાયતોની યોજગારી ચૂંટણીમાં સરપંચ પદ માટે 112 અને સભ્યો માટે 518 જેટલા ઉમેદવારી પત્રકો ભરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.03
ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્યોની ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ધસારો વધતા 63-ગ્રામ પંચાયતોની યોજગારી ચૂંટણીમાં સરપંચ પદ માટે 112 અને સભ્યો માટે 518 જેટલા ઉમેદવારી પત્રકો ભરાવા પામ્યા છે.
ચીખલી સેવા સદન અને તાલુકા પંચાયત એમ બે કચેરીઓમાં અલગ-અલગ ગ્રામ પંચાયતો માટે 18 જેટલા ટેબલોની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. મામલતદાર શ્રી અમિત ઝડફીયા પીઓકમ ટીડીઓ હિરેન ચૌહાણ સહિતનાની નિગરાણીમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે છેલ્લા બે દિવસોથી બંને કચેરીઓમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
ઉમેદવારો સાથે સમર્થકોમાં ટોળે ટોળાથી બંને કચેરીના કૅમ્પસ ઉભરાય રહ્યા છે. શનિવારના રોજ ઉમેદવારી પત્રકો ભરવાનો છેલ્લો દિવસ હોય બે દિવસથી ધસારો વધી જવા પામ્યો છે.
આજે સોલધરામાં સરપંચ પદમાટે શ્રી જૈનીશભાઈ રાઠોડે ગણદેવી સુગરના ડિરેકટર શ્રી નટુભાઈ, વર્તમાન સરપંચ બેલાબેન, ડેપ્યુટી સરપંચ બી.સી.પટેલ, ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી વૈભવભાઈ બારોટ, ભાજપ અગ્રણી શ્રી ધર્મેશભાઈ, શ્રી લક્ષ્મણભાઈ, શ્રી કપિલભાઈ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં ચૂંટણી અધિકારી શ્રી સુરેશભાઇ દેસાઈ સમક્ષ ઉમેદવારી પત્રક રજૂ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વંકાલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે વજીફા ફળીયાના નયનાબેન પટેલે, પૂર્વ સરપંચ દીપકભાઈ, બક્ષીપંચ મોર્ચાના શ્રી જીતુભાઈ, અગ્રણી શ્રી દીપકભાઈ સોલંકી સહિતનાની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રક રજૂ કર્યું હતું.
તાલુકા સેવા સદનમાં ગુરુવારના રોજ ત્રણેક વાગ્યાના અરસામાં રાનવેરી કલ્લાના સરપંચ પદ માટે એક મુરતિયા તેમના સમર્થકો સાથે વાજતે ગાજતે આવ્યો હતો. પરંતુ સમયની અવધિ ત્રણ વાગ્યે જ પુરી થઈ જતી હોવાથી ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્રક સ્વીકારવાની નનૈયો ભણી દેતા દલીલો કરી હતી અને જેમાં કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઇ પટેલે પણ દરમ્યાન ગીરી કરી હતી. પરંતુ અધિકારીએ ત્રણ વાગ્યે સુધી જ ફોર્મ સ્વીકારવા અંગેનો પત્ર બતાવી ના પાડી દેતા વાજતે ગાજતે આવેલા આ ઉમેદવારે વીલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી.