(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વલસાડના પારનેરા પારડી ગામે આજે બુધવારે સવારે એક પટેલ પરિવારના ઘરે લગ્નપ્રસંગના મામેરાની વિધિ ચાલતી ત્યારે તકનો લાભ લઈ કોઈ ચોર ઈસમ બંગલામાં ઘૂસી કબાટ, પેટી પલંગ તોડીને 40 તોલાના ઘરેણા અને રોકડા 15 હજાર ચોરી કરી ફરાર થઈ જતા પટેલ પરિવારનો લગ્નપ્રસંગનો રંગ ફિક્કો પડી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પારનેરાપારડી ગામે રહેતા નિતિનભાઈ રણછોડભાઈ પટેલના ઘરે આજે બુધવારે સવારે લગ્નપ્રસંગની વિધિ મામેરૂ ચાલતું હતું. લગ્ન મંડપ ઘરની પાસે બંગલા નજીક ખુલ્લી જગ્યામાં હતો તેથી પરિવાર અને સગાવ્હાલા મામેરાની વિધિમાં વ્યસ્ત હતા ત્યારે કોઈ ચોર ઈસમ બંગલામાં ઘૂસી ગયો હતો.કબાટ અને પેટી પલંગ તોડીને 40 તોલા સોનાના ઘરેણા અને 15 હજાર રોકડાની ચોરી કરી ભાગી છૂટયો હતો. વિધિ પતાવી પરિવાર ઘરે આવ્યો ત્યારે જોયુ તો સામાન અસ્તવ્યસ્ત પડયો હતો. તપાસ કરી તો ઘરેણા અને રોકડની ચોરી થઈ ગયેલી જોવા મળી હતી. તેથી તરત પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડીગઈ હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.