(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.13
ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલાને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના તેજલાવ ગામની આશ્રમ શાળાના 35-વર્ષીય શિક્ષકને શરદી-ખાંસી અને તાવની તકલીફ બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા બાળકો અને સ્ટાફ સહિત 25-જેટલાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ શિક્ષક પરિવાર સાથે આશ્રમ શાળામાં જ રહે છે અને ત્યાં જ આરોગ્ય વિભાગે સારવાર શરૂ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત તેજલાવ ગામના 33-વર્ષીય સરકારી એન્જીનીયરીંગ કોલેજના પ્રાધ્યાપકને પણ ગળામાં દુઃખાવો અને ઝીણો તાવની ફરિયાદ બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના પચિંસભ્ય સહિતને હોમ કોરોન્ટાઈન કરાયા હતા.
ચીમલા ગામનું શિક્ષક દંપતિને પણ શરદી-ખાંસી-તાવની તકલીફ બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના સભ્યોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી હતી. દંપતિ પૈકી પતિ નાંદરખા અને પત્ની ચીખલી કન્યાશાળામાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું અને આ દંપતિ નાંદરખાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
તેજલાવ આશ્રમશાળા અને પ્રાથમિક શાળામાં બાળકોના સેમ્પલ લઈ આ અંગે શિક્ષક વિભાગને આરોગ્ય વિભાગ દ્વારા જાણ કરાઈ હતી.