(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી (ચલા), તા.13:
વાપી નજીકના સલવાવ ગામ પાસે એક ઈસમે સાયકલ લઈને પસાર થઈ રહેલ યુવક ઉપર ગળાના ભાગે ચપ્પુ વડે હુમલોકર્યો હતો. જે બાદ ડરી ગયેલ યુવક સાયકલ છોડી ભાગી ગયો હતો. જે બાદ રૂમ પર પહોંચી વાપી હોસ્પિટલમાં સારવાર મેળવી વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ ઝારખંડ ગામનો વતની અને હાલ વાપી નજીકના સલવાવ ગામ, બાપા સીતારામ મંદિરની બાજુમાં સુભાષ ચાલીમાં અનિલ ગોપાલભાઈ પાલ (ઉં.આ.31) પરિવાર સાથે રહે છે. તેઓ મોરાઈ ગામની કંપનીમાં ટેલરનું કામકાજ કરે છે. રાબેતા મુજબ ગત તારીખ 9-12-21 ના રોજ નોકરી પર ગયા હતા અને રાત્રીના સમયે આશરે 11:30 વાગ્યાની આસપાસ સાયકલ લઈને પરત ફરી રહયા હતાં. તેઓ વાપી નજીકના સલવાવ ગામ, બીગ બજાર મોલ પાસેથી પસાર થતો હતો ત્યારે તેમની કંપનીમાં કામ કરતો જીતેન્દ્ર છેદીલાલ ઠાકુર (ઉં.આ.38, રહે. કોળીવાડ, મનિષ ચાલી, બલીઠા) પણ સાયકલ લઈને પાછળથી આવ્યો હતો અને તેઓની સાથે ઝઘડો કરી ચપ્પુ વડે ગળાના ભાગે હુમલો કરી ઘાયલ કરી દીધો હતો. જેમાં અનિલે સ્વબચાવ કરી સાયકલ મૂકી ભાગી છૂટયો હતો અને પોતાની રૂમ પર પહોંચી રૂમ માલિકને જાણ કરી હતી અને ત્યારબાદ વાપીની હોસ્પિટલમાં સારવાર મેળવી વાપી ડુંગરા પોલીસ મથકમાં ચપ્પુ વડે હુમલો કરનાર જીતેન્દ્ર ઠાકુર સામે ફરિયાદ નોંધાવી હતી.