લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થાય છે : પેપર લીક એ સરકારની નિષ્કાળજી છેઃ ‘આપ’
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16
તાજેતરમાં 12 ડિસેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષાને સમય પહેલાં જ પેપર ફૂટી ગયું હતું. જેના ઘેરા પ્રત્યાઘાત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં પડયા હતા. વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે ગૌણ સેવા પરીક્ષામાં પેપર લીક મામલે વલસાડ અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને તળીયાઝાટક તપાસ સાથે જવાબદારો સામે પગલા ભરવાની આમ આદમીપાર્ટીએ માંગણી કરી હતી.
વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી જીતુભાઈ દેસાઈ અને હોદ્દેદારો, કાર્યકરોએ આજે વલસાડ અધિક કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી કે ગૌણ સેવા પસંદગી અંગે સરકાર દ્વારા 12 ડિસેમ્બરે હેડક્લાર્કની ભરતી માટે જાહેર પરીક્ષા લેવાઈ હતી. જેનું પેપર પરીક્ષાના ટાઈમ પહેલાં જ ફૂટી જતા લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા છે. આ માટે કસુરવારો સામે પગલા ભરી તુરત સરકારે જવાબદારોને શોધી કાઢવા જોઈએ. પેપર લીક થાય એ સરકારની નિષ્ફળતા છે તેવુ આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું હતું.