(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.19
દમણ-દીવના 61મા મુક્તિ દિવસ નિમિત્તે દીવના કલેક્ટર કચેરી પરિસરમાં મુક્તિ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દીવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી સલોની રાયે આ પ્રસંગે ધ્વજ લહેરાવીને પ્રદેશને આઝાદ કરાવનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા અને લોકોને સુખ, શાંતિ અને સમળદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ બાળકીઓએ રાષ્ટ્રગીત ગાયું હતું. કાર્યક્રમના પ્રારંભે દીવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી સલોની રાયે દીવના મુક્તિ સંગ્રામમાં બલિદાન આપનાર બહાદુર સૈનિકોની સ્મળતિમાં બનેલ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ અવસરે શ્રીમતી સલોની રાયે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ પ્રદેશના ઈતિહાસમાં અનેક મહત્વની ઘટનાઓ બની છે. 1987 માં, જ્યાં આ રાજ્ય ગોવાથી અલગ થયું હતું, 2020માં આ પ્રદેશ દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશ સાથેએકત્રીકરણ થઈ ગયું હતું. ગોવાથી અલગ અથવા વિલીનીકરણ પછી, આ પ્રદેશનો વિકાસએ પ્રશાસનની એક મહત્વપૂર્ણ જવાબદારી રહી છે અને પ્રદેશ પ્રશાસને આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં અને કાર્યક્ષમ માર્ગદર્શન હેઠળ પ્રશાસન અહીંના લોકોના સર્વસમાવેશક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પ્રદેશ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન જેવા તમામ ક્ષેત્રોમાં વિકાસ કરીને ઘણી મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે દીવને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ મળી છે અને દીવની ગણતરી વિશ્વ મંચ પર શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે થઈ રહી છે. દીવમાં પ્રવાસનના વિકાસ માટે અનેક મહત્વના પ્રવાસન સ્થળોના વિકાસનો પાયો નાંખવામાં આવ્યો છે. જે પ્રવાસીઓ માટે ચોક્કસપણે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેનાથી દીવની સુંદરતામાં વધુ વધારો થશે.
શ્રીમતી સલોની રાયે પ્રદેશનાના નાગરિકોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રદેશ પ્રશાસન દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેમજ ભૌતિક સંસાધનોને અપગ્રેડ કરવામાં આવ્યા છે. દીવના સર્વાંગી વિકાસ માટે પ્રશાસન સંપૂર્ણ પારદર્શિતા, પ્રમાણિકતા સાથે કાર્યરત છે. આ તમામ વિકાસ કામોથી પ્રદેશની પ્રાથમિકસુવિધાઓ સુદૃઢ બનશે અને પ્રદેશવાસીઓનું જીવનધોરણ સારું થશે.
અંતમાં, કલેક્ટર શ્રીમતી સલોની રાયે દીવના તમામ લોકોનો આભાર માનીને અને મુક્તિ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમળતાબેન અમળતલાલ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.વિવેક કુમાર, એસડીપીઓ શ્રી મનસ્વી જૈન, મદદનીશ આબકારી કમિશનર શ્રી હરમિન્દર સિંઘ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પોલીસ અને આઈ.આર.બી. સેનાના જવાનો, પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ, મીડિયાકર્મીઓ અને શાળાના બાળકો હાજર રહ્યા હતા.મુક્તિ દિવસનો કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થયો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમતગમત અધિકારી શ્રી મનીષ સ્માર્ટે કર્યું હતું.
