(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.28
ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતમાં વિકાસના કામો માટેની ટેન્ડર પ્રક્રિયાના વિરોધમાં ધારાસભ્યની આગેવાનીમાં ધરણા પ્રદર્શન યોજી પાંચ લાખ રૂપિયાની મર્યાદાના કામો સરપંચોને જ સોંપવાની માંગ કરવામાં આવી હતી.
તાલુકા પંચાયત દ્વારા ભૂતકાળમાં જે પ્રમાણે ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી વિકાસના કામો થતા હતા.જે પ્રથા હાલે પુનઃ અમલમાં લવાતા આ ટેન્ડર પ્રક્રિયાના વિરોધમાં ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, વિરોધપક્ષના નેતા શ્રી ભીખુભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી જયંતિભાઈ, કોંગ્રેસ અગ્રણી આઈ.સી.પટેલ, શ્રી વલ્લભભાઈ દેશમુખ, શ્રી મગનભાઈ, શ્રી ચંદુભાઈ, શ્રી પરેશભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં સરપંચો સાથે તાલુકા પંચાયત પાસે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ દરમ્યાન ધારાસભ્ય શ્રી અનંત પટેલે જણાવ્યું હતું કે, વિકાસના કામોમાં સરપંચોના અધિકારો પર જો કોઈ તરાપ મારશે અથવા હક્કોછીનવવાની કોશિષ કરશે તો અમે ચૂપ બેસીશું નહિ અને ઉગ્ર આંદોલન કરીશું.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ ગ્રામ પંચાયત 5-લાખ સુધીના કામો કરવા તૈયાર હોય તેઓને કામો કરવા દેવાના હોય છે. સરપંચોને વિકાસના કામો કરવામાં અટકાવી શકાય નહીં જો આવું સતાધીશો કરશે તો અમે આંદોલન કરીશું.
આયોજન સહ ટીડીઓ શ્રી હિરેનભાઇ ચૌહાણના જણાવ્યાનુસાર લોક સુખાકારીના કામો માટે ટેન્ડરિંગ કરવું કે ગ્રામ પંચાયતને એજન્સી તરીકે સોંપવા તેની આખરી સત્તા તાલુકા પંચાયતને છે. પ્રથમ ગ્રામ પંચાયતને જ કામ સોંપવા એવી કોઈ જોગવાઈ નથી.