-
પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના અંતર્ગત તમામને પોતાના અને પરિવારના આરોગ્યનું વીમા કવચ લઈ લેવા સરપંચ મુકેશ ગોસાવીએ કરેલી અપીલ
-
સુકા કચરા અને ભીના કચરાના સંદર્ભમાં ગ્રામજનોને આપવામાં આવેલી વિસ્તૃત જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03
દમણવાડા ગ્રામ પંચાયતના પલહિત ખાતે આજે રાત્રિ ચૌપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલભાઈ મિટનાએ ચૌપાલનો હેતુ સમજાવી સ્વચ્છ, સુંદર, સ્વસ્થ અને હરિત દમણવાડા ગ્રામ પંચાયતના નિર્માણમાં સહયોગ આપવા પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સુકા કચરા અને ભીના કચરાના સંદર્ભમાં વિસ્તૃત જાણકારી આપી હતી અને જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવનારી લીલા અને બ્લ્યુ રંગની ડસ્ટબીનના વપરાશની સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડસ્ટબીન ઉપર જ કયો કચરો કયા રંગની ડસ્ટબીનમાં નાંખવો તેની લેખિત નોંધ આપવામાં આવેલી છે. તેથી કચરાને અલગ-અલગ તારવીનેઆપવા અપીલ કરી હતી.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તમામને પોતાના અને પરિવારના આરોગ્યનું વીમા કવચ લઈ લેવા અપીલ કરી હતી. તેમણે પલહિત વિસ્તારની વિવિધ સમસ્યાના નિરાકરણ માટે પણ આશ્વાસન આપ્યું હતું.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના જે.ઈ.શ્રી વિપુલ રાઠોડ, એકાઉન્ટન્ટ શ્રી રોહિત ગોહિલ, શ્રી સુલેખ દમણિયા, પંચાયતની સલાહકાર સમિતિના સભ્ય શ્રીમતી મનિષાબેન હળપતિ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.