સંઘપ્રદેશ પ્રશાસને બાળકોના આરોગ્યની કાળજી લઈ અગમચેતીના ભરેલા પગલાં : સૌથી પહેલા રાત્રિ કર્ફયુનો સંઘપ્રદેશે શરૂ કરેલો અમલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.05
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વધેલાકોરોનાના કેસના કારણે ધો.1થી 8 સુધીની તમામ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક તથા પૂર્વ પ્રાથમિક શાળાના અભ્યાસ કાર્યને બંધ કરવાનો આદેશ આપ્યો છે અને ઓનલાઈન મોડ ઉપર શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીમાં આજે 03 અને દમણમાં 17 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા બાળકોના આરોગ્યની તકેદારી રાખી સંઘપ્રદેશ પ્રશાસને અગમચેતીના પગલાં રૂપે ધો.1થી 8 અને પૂર્વ પ્રાથમિક શાળાના અભ્યાસક્રમો બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસને સૌથી પહેલા રાત્રિના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના કર્ફયુનો અમલ કરી પોતાની તકેદારીનો પરિચય પણ આપ્યો છે.